________________
૩૫
શોધ-ખોળની પગદંડી પર
દ્રૌપદીનું નિર્વસ્ત્રીકરણ એટલે પૃથ્વીને, પ્રકૃતિને ઉજજડ કરી મૂકવી— તેનું નગ્નીકરણ. એવી પ્રત્યેક યુગમાં કુરુક્ષેત્રની વિઘાતકતા સર્જાતી હોય છે. આજના માનવવાદી કહેવાતા યુગમાં પણ નારીની શરમજનક અવદશા કરવાના સેંકડો કિસ્સા નિત્યની ઘટના છે. એ બાબતમાં મહાભારતકાળથી આજ સુધીમાં કશો ફેર પડ્યો નથી. ઉપરાંત દ્રૌપદી કૌરવપાંડવના કલહમાં વૈરાગ્નિ પ્રદીપ્ત રાખવાનો જે રીતે ભાગ ભજવે છે, એ જોતાં તેને કૃષ્ણની અધર્મવિનાશક શક્તિ તરીકે પણ ઘટાવી શકાય.'
એ બાબતમાં કશો વાદવિવાદ નથી કે કૃષ્ણ, ધર્મરાજ, દ્રૌપદી, રામ, સીતા, વગેરે અલૌકિક દૈવી ભૂમિકાનાં પૌરાણિક પાત્રોની પોતપોતાની માનસપ્રતિમા ઘડી લેવાનો પ્રત્યેક મનુષ્યનો અને વિશેષે સર્જક કલાકારનો અબાધ્ય અધિકાર છે. એ પાત્રોમાં અપાર ક્ષમતા છે અને એથી ભાવકની સમક્ષ તેમનાં નવનવાં પરિમાણો પ્રગટ થાય છે. આ વાતને વિવાદથી પર ગણીને આપણે એ પણ જોવું જોઈએ કે જે રૂપે મહાભારત' મુખ્યત્વે આપણને મળ્યું છે એમાં દ્રૌપદીનું મૂળ પાઠના સંદર્ભો અનુસાર તેનાં વાણી, વિચાર, વર્તનના નિરૂપણોમાંથી અને કથાકારનાં પોતાનાં નિરીક્ષણોમાંથી જે ચિત્ર ઊપસે છે એનો મેળ તેના પાત્રનાં નૂતન અર્થઘટનો સાથે કેટલો બેસે છે. આ “શું મને લાગે છે?” કે “શું હોવું જોઈએ?' એની નહીં પણ “વસ્તુતઃ શું છે ?' એની વાત છે.
આ માટે મહાભારતના દ્રૌપદીવિષયક બધા સંદર્ભો પરથી તારણ કાઢવાનું રહે. એવો સર્વાગીણ પ્રયાસ કોઈ જ્યારે કરે ત્યારે. પણ આપણા પર “મહાભારત'ની કથાની જે છાપ છે એમાં દ્રૌપદી ઘણુંખરું તો એક માનવીય હસ્તી તરીકે, રાજકુળની ક્ષત્રિયાણી તરીકે, તત્કાલીન ક્ષાત્ર આચારસંહિતાને સહજપણે સ્વીકારતી, સર્વમાન્ય રાગદ્વેષ ધરાવતી એક તેજસ્વી નારી તરીકે પ્રતીત થાય છે. “મહાભારતના મુખ્ય કથાનકમાંથી– એમાં પછીથી ઉમેરાયેલા અંશો અવગણતાં – એક કૃષિપ્રધાન, પશુપાલક સમાજનું અને રાજયના ઉત્તરાધિકારના કલહને કારણે થતાં પ્રચંડ યુદ્ધમાં ક્ષત્રિયવંશોનો સર્વનાશ થયાનું ચિત્ર કેન્દ્રવર્તી છે. એ ઘટનાને પડછે ક્ષાત્રધર્મ, રાજધર્મ, લોકધર્મ વગેરેની વિચારણા થઈ છે. કથા કેન્દ્રીય તત્ત્વ છે; ધર્મ, દર્શન, નીતિ, અપાર્થિવ અને પૌરણિક તત્ત્વ ગૌણ છે. એ રીતે જોતાં દ્રૌપદીના પાત્રનું આધિદૈવિક, આધ્યાત્મિક કે પ્રતીકાત્મક અર્થઘટન કરવાને મૂળ કથામાં ભાગ્યે કશો અવકાશ છે. ભારતીય સાહિત્ય અને સાહિત્યકારોએ સીતા, દ્રૌપદી અને શકુંતલાનાં પાત્રો દ્વારા સમકાલીન તેમ જ સર્વકાલીન સમાજ, સંસ્કૃતિ અને મૂલ્યો સામે જે પ્રચંડ પ્રશ્નાર્થો ખડા કર્યા છે એ હકીકતને સેંકડો વિકૃતિઓ અને અંતરવિરોધોની વચ્ચે પણ, તેમના ચેતનથી ધબકતા પ્રાણનો એક વધુ પુરાવો ન ગણી શકીએ?