________________
મંગલાચરણ
પ્રસ્તાવના
સુપ્રસિદ્ધ અને પ્રખરવક્તા પૂ. ગણીવર્ય શ્રી ભુવનવિજ્યજી મહારાજ રચિત “મંગલાચરણ નો ગ્રંથ, જેમાં માર્ગાનુસારીનું સ્વરૂપ અને પાંત્રીસ ગુણો પર ધર્મયુક્ત, મધુર, સુવા અને સમતોલ ભાષામાં વિસ્તૃત વર્ણન આપેલ છે, જે નાગપુરના આંગણે પ્રસિદ્ધ થઈ રહેલ છે, તે વાત અત્યંત આનંદ અને ઉલ્લાસ આપે તેવી છે.
પૂ. મહારાજશ્રીના દીર્ઘકાલીન દીક્ષાપર્યાય કાળમાં તેઓએ મારવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને દૂરદૂરના બંગાલ, ઓરિસા તેમજ મધ્યપ્રદેશમાં વિહાર કરી, જૈન તેમજ જૈનેતર સમાજને ધર્મ પમાડ્યો છે અને મુમુક્ષુઓને ધર્મની સમજૂતી આપી તેમને ધર્મના માર્ગે દોરવ્યા છે.
પૂજ્ય ગણીવર્યશ્રી એક પ્રખર વક્તા, વિચારક, ચિંતક, નીડર અને પ્રભાવશાલી મુનિ છે. તેઓ જ્યાં જ્યાં વિહાર કરે છે ત્યાં ત્યાં અનેક મંગલ કાર્યો થતા જ રહે છે. ઓરિસાના કટક શહેરમાં તેમના પવિત્ર પગલે નૂતન જિનાલયની પ્રતિષ્ઠા થઈ હતી અને એ રીતે નાગપુરમાં પણ જિનાલયની પ્રતિષ્ઠા થઈ રહી છે. એમની વાણીમાં લોહચુંબક જેવું અદ્ભુત આકર્ષણ છે અને જ્યાં જ્યાં તેઓ શ્રી વિહાર કરે છે, ત્યાં ત્યાં જૈન અને જૈનેતર સમાજ તેમની વાણી અને ઉપદેશ શૈલીપર મુગ્ધ બને છે. એમનો કંઠ એટલો બધો મધુર અને મીઠો છે કે તેમને ભાવવાહી સ્તવનો અને સક્ઝાયો સાંભળવા,. કદી પણ પ્રતિક્રમણ કરવા ન જનાર લોકો પણ હોંશે હોંશે જાય છે. તેમનું વાંચન વિશાળ છે અને અનેકાન્ત વાદના તેઓ પ્રખર હિમાયતી છે. તેથી જ તેમના વ્યાખ્યાનોમાં જૈન દર્શનના શાસ્ત્રો ઉપરાંત ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાભારત, યોગવાસિષ્ઠ જેવા ગ્રંથોની વાતો સાંભળતા ચિત્ત પ્રસન્ન થાય છે અને તેમના જ્ઞાન માટે શ્રોતાઓને માન થાય છે.