________________
બતાવે છે. કલાને માટે પણ પાર વગરનો માનવશ્રમ જોઈએ છે; અને તેનાં ફળનો ઉપભોગ તે શ્રમના કરનારના કરતાં તે ન કરનાર માટે ભાગે કરે છે. તે બરોબર છે ? – આ પ્રશ્ન પણ કળા અંગે ઊઠે છે.
અને સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે, આ “કલા’ ‘કલા’ કહીને ફૂટ્યા કરવામાં આવે છે એ વસ્તુ છે શું? એનું કોઈ વ્યાપક લક્ષણ કે કસોટી છે ખરાં? કે પછી તેની ખાં થઈને માથે વાગેલી ટોળીના લોકોનો મત જ એનો નિર્ણાયક છે ? અને તેઓ ઘણે ભાગે ‘આંધળાનો ગોળીબાર’ જ નથી રમતા હોતા? તેઓમાં ભલતાં કારણોની અસરો કામ નથી કરતી હોતી ? બીજાં કાંઈ નહિ તોય તેઓએ કલા બાબત આપણને સાદી સરળ સમજ તો આપવી જ જોઈએ.
આમ કલા માનવજાતના ચતુર્વિધ પુરુષાર્થમાં ઓતપ્રોત રહેલી ચીજ છે. તેને અમુક ખાસ લોકની ચીજ ન કહી શકાય. છતાં લાગે છે એમ. એ બરોબર છે? ના, તો તે શું છે? – આના જે ઉત્તર અને સમજ ટૉલ્સ્ટૉય આ પુસ્તકમાં આપે છે, તે ગમે તે વાચકને પણ ઊંડે અસર કર્યા વગર નહિ રહે. જે આંતર પ્રતીતિના જોશથી અને માનવ હિતની કળકળથી એ લખે છે, ને તેમાં જે પ્રામાણિક અનુભવની લાગણીનું પૂર રેલાવે છે, તે વાચકને સસરે હૃદયમાં પહોંચ્યા વગર રહે એમ નથી. એથી કરીને આ નિબંધ પોતેય ગદ્યકલાનો એક ઉત્તમ નમૂનો બન્યો છે, એમાં શંકા નથી. એ વાંચીને અંગ્રેજ વિવેચક એ. બી. વૉકલીએ લખ્યું હતું, “ટૉલ્સ્ટૉય કેવો અદ્ભુત ગદ્યકલાકાર છે! કેવું તેનું જોમ અને કેવું ટૂંકાણ! અને કેવી સચોટ અસર !”
મહાન સાધકની પ્રસાદી ટૉલ્સ્ટૉયનું જીવન જોઈએ તે તરત સમજાય છે કે, તેને ગ્રંથ બીજી જાતનો હોઈ ન શકે. ટૉલ્સ્ટૉયને કલાને અંગેનું કોઈ ફિલસૂફિક પીંજણ કરવું નહોતું. યુરોપમાં અનેક અધ્યાપકોએ તેમની પૂર્વે વિદ્યાપીઠોમાં કલામીમાંસા અંગે આવું કામ કર્યું હતું. તે એ પરંપરાના નહોતા.