________________
આત્મા પોતાની સ્વતંત્રતાના ભોગે “ઈશ્વરનો સ્વીકાર અને ભક્તિ ન કરી શકે. પોતાની સ્વતંત્રતા તથા સમાનતાનો છેદ ઉડાડી, પોતાનાં કર્તુત્વ અને દાયિત્વમાંથી છૂટી જઈને ઈશ્વર કે તેવી કોઈ જીવંત અને તેથી જ સક્રિય સત્તાનો સ્વીકાર કરવો તેમ જ તેની ભક્તિ-પ્રીતિ કરતાં રહેવું, એને “સમર્પણ', “શરણાગતિ', “અનન્યાશ્રય', કે “પ્રેમલક્ષણા ભક્તિ' જેવાં રૂપાળાં નામ આપી દેવા માત્રથી આત્મા ગુલામી, અકર્મણ્યતા કે પલાયનવાદ થકી બચી જતો નથી.
ખરેખર તો કર્મની સર્વોપરિતાનો સ્વીકાર કરી લઈએ, તો આત્મા સ્વતંત્ર રહે છે. તેની સમાનતા અબાધિત રહે છે. પોતાનું કર્તુત્વ કે દાયિત્વ કોઈ અન્યના શિરે થોપી દેવાનો પલાયનવાદ અને પછી તે “અન્ય' ની સતત ગુલામી કર્યા કરીને ઊભી થતી લાચારી તથા પરવશતા – એણે વેઠવાની જરૂર નથી. અને આ સ્થિતિમાં અકર્મણ્યતા તો ઊભી જ શાની રહે? વાત રહી માત્ર રૂક્ષતાની. એનો જવાબ આ છે : કર્મસત્તાના કાનૂન પ્રમાણે વર્તનારો કે જીવનારો આત્મા અને તેનું આચરણ રૂક્ષ, નીરસ અને આનંદ કે પ્રેમથી ભીરુ બની જાય છે એ વાત જ અણસમજપ્રેરિત છે. જૈન ધર્મના કર્મસિદ્ધાંતના આધારે, પ્રત્યેક આત્મા જ કાળાંતરે પરમાત્મા બને છે. શુદ્ધ ચૈતન્યરૂપ એ પરમ-આત્માને આપણે પરમ સત્તા અથવા ભગવાન તરીકે ઓળખીએ છીએ. પરમાત્મા બનવાની દિશામાં આગેકૂચ કરી રહેલો આત્મા, પોતાની પ્રત્યેક કરણીમાં તથા લાભ અને સુખ વગેરેમાં, પોતાનું કર્તૃત્વ, દાયિત્વ વગેરે પૂરેપૂરું હોવા છતાં, તે અત્યંત લઘુભાવે, નમ્ર અને નિર્મળ ભાવે, પોતાનું કર્તુત્વ કયાંયે ન હોતાં બધું જ પરમ સત્તારૂપ પરમાત્માની કૃપા કરુણાથી જ થયું છે - થાય છે, થવાનું છે એમ વિચારે – અનુભવે, અને એ રીતે પોતાની જાતને અહંકારમુકત બનાવનારી ભકિતમાં આદ્ર બનાવી દે - ડૂબાડી દે. પોતાનું કર્તૃત્વ હોવા છતાં અને તે પ્રમાણે જ ફળ મળવાનું છે તેની ખાતરી હોવા છતાં, સ્વયંને શૂન્ય ગણી પરમ તત્ત્વને જ યશભાગી બનાવે, આને આપણે પ્રેમલક્ષણા ભક્તિ કે પછી ભક્તિની આદ્રતા નહિ કહીએ?
શાંત હૈયે વિમર્શ કરનારા શાણા આદમીને, આ રીતે વિચારધારા કેળવવાથી, કર્મના નિયમનો પરમાર્થ પકડાયા વિના નહિ રહે. અને પછી જુદી જુદી વિચારધારાઓમાં પણ કેવું સામરસ્ય છે તેનો સંકેત સાંપડ્યા વિના નહિ રહે.
(કાર્તિક-૨૦૧૮)માં