________________
૧
કર્મનો નિયમ એ જૈનશાસનનો પ્રાણભૂત સિદ્ધાંત છે. ઘણા, લગભગ બધા જ લોકો, આ સિદ્ધાંતના મર્મને પામવામાં નિષ્ફળ જતા હોય છે. એટલે તેઓ આ સિદ્ધાંતને રૂક્ષ, રસહીન, પલાયનવાદ, અકર્મણ્યતા વગેરે વિશેષણોથી નવાજે છે. પણ આ મંતવ્ય બરાબર નથી.
મનુષ્યને સ્વતંત્રતા અને સમાનતા આ બે વાનાં સહેજે જ વધુ ગમે છે, અલબત્ત, ભૌતિક સુખ-સંદર્ભમાં જ. લોકશાહી માહોલમાં આ સ્થિતિનો અનુભવ સહુ મનુષ્યોને સતત થતો હોય છે. મારી તમામ વાતો સુવાંગ મારી હોય, મારા થકી હોય, મારા માટે જ હોય; મારાં સઘળાંયે સુખ-દુઃખ માટે હું જ માત્ર જવાબદાર હોઉં, મારું જ કર્તૃત્વ અને દાયિત્વ તેમાં હોય, અન્યની આધીનતા કે દખલગીરી કે ભાગીદારી તેમાં ન હોય, આવી ધારણા તે ‘સ્વતંત્રતા’. અને હું કોઈથી નીચો નહિ, કોઈ મારાથી ઊંચું અથવા શ્રેષ્ઠ નહિ, અમે સહુ સરખા, આવો ખ્યાલ તે ‘સમાનતા’. ભૌતિક સંદર્ભમાં તેમજ સામાજિક કે રાજકીય લોકશાહીના પરિપ્રેક્ષ્યમાં, પ્રત્યેક વ્યક્તિ આ રીતે જ, સ્વતંત્ર અને સમાન હોવાનું અનુભવે છે. આમાં દરેક જણ પોતે કરે અને પોતે ભોગવે. પોતે વાવે અને પોતે લણે. બીજાની તેમાં જવાબદારી પણ નહિ અને ભાગીદારી પણ નહિ. આમ છતાં, જે તે વ્યકિત ‘સામાજિક પ્રાણી’ હોવાનો પોતાનો દરજ્જો ગુમાવતી નથી કે અન્યનિરપેક્ષ, બેજવાબદાર કે સ્વચ્છંદ થઈ જાય છે એવું નથી. એની સમાજસાપેક્ષતા અકબંધ રહે જ છે. અને તેથી તે પલાયનવાદી કે અકર્મણ્ય કે બરછટ બનતો પણ નથી કે ગણાતો પણ નથી.
-
જૈનશાસન, લોકશાહીની આ જ વિભાવનાને કેન્દ્રમાં રાખીને કર્મના નિયમને સર્વોચ્ચ અગત્ય આપે છે. આત્મિક, એટલે કે અભૌતિક અથવા આંતરિક લોકશાહીને લાગે વળગે છે ત્યાં સુધી પ્રત્યેક ‘આત્મા’ ‘સ્વતંત્ર’ છે અને ‘સમાન’ પણ, ભૌતિક સંદર્ભમાં જે ધોરણો પ્રત્યેક મનુષ્યને લાગુ પડે, તે તમામ ધોરણો, વધુ સઘનતાથી, આત્મિક સંદર્ભમાં, પ્રત્યેક આત્માને, અર્થાત્ સમગ્ર જીવજગતને લાગુ પડે છે. લોકશાહીમાં જેમ ‘કાયદા’નું જ માત્ર શાસન છે, તેમ આત્મિક લોકશાહીમાં ‘કર્મ’નું જ માત્ર શાસન છે. અહીં, કોઈ ‘ઈશ્વર’ નામની સત્તા બધું કરે છે, કરાવે છે, અથવા તેની પ્રાર્થના - ભક્તિથી કે તિરસ્કારથી જ બધું સારું ખરાબ થાય છે, તે કરે તે જ થાય આવી ભ્રાંતિને કોઈ જ સ્થાન નથી. કોઈ
ધર્મચિન્તન