________________
‘યોગષ્ટિસમુચ્ચય' ગ્રંથ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
અવ્યવહારરાશિમાંથી વ્યવહા૨૨ાશિમાં આવીને પંચેન્દ્રિયત્વ પામ્યા પછી મનુષ્યભવમાં ધર્મની સામગ્રી મળતાં જીવે ધર્મ તો અનેક વાર કર્યો, છતાં મોક્ષ ન પામ્યો; કેમ કે યોગમાર્ગની જિજ્ઞાસા કરીને જીવે યોગમાર્ગમાં પ્રવેશ જ કર્યો નથી. તેવા જીવોની કરુણાથી તે જીવોને સન્માર્ગ બતાવવા યાકિનીમહત્તરાસૂનુ ૧૪૪૪ ગ્રંથના રચયિતા સૂરિપુરંદર પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથની રચના કરી છે.
મધ્યમ વિસ્તારવાળો આ ગ્રંથ, અપુનર્બંધકાદિ અવસ્થાને નહિ પામેલા પણ સરળ બુદ્ધિથી સત્યને સ્વીકારવાની તૈયારીવાળા પ્રજ્ઞાપનીય જીવોને અપુનર્બન્ધકાદિ અવસ્થા પમાડવા માટે અને અપુનબઁધકાદિ અવસ્થા પામેલા જીવોને યોગમાર્ગની ક્રમસર ભૂમિકાઓ પમાડીને કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ માટે અત્યંત ઉપકારક થાય તેમ છે.
‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથના મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા એ આઠ દૃષ્ટિઓથી આઠ વિભાગ પડે છે.
ચારિત્ર અંગીકાર કરતાં પહેલાં મેં શ્રી મહેન્દ્રભાઈ પંડિતને (પૂ. મોહજિતવિજય મ.સા.) જોયેલા, અને એમણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે તે જ્ઞાન પ્રાપ્ત કરવાની મારી ઇચ્છા હતી. તેથી એમની પાસે ભણેલાં અરુણાબેન, હાલમાં પૂ. ભક્તિસૂરિ મ.સા.ના સમુદાયનાં પૂ. સા. બોધિરત્નાશ્રીજીનો પરિચય કર્યો. ત્યારપછી પૂ. સા. બોધિરત્નાશ્રીજી દ્વારા પ. પૂ. મુનિશ્રી યુગભૂષણ વિ. મ.સા. અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાનો પરિચય થયો. શાસનસમ્રાટ પૂ. આ. ભ. નેમિસૂરિ મહારાજના સમુદાયના પૂ. ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પંન્યાસ નિર્મળચંદ્ર વિ. મ.સા.ની (સંસારી પક્ષે ભાઈ) સંમતિ મેળવીને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે અભ્યાસ શરૂ કર્યો. મેં એક વાર વાંચેલું કે મોક્ષ પામવા માટે યોગમાર્ગ જાણવો અત્યંત આવશ્યક છે, અને કોઈક ૫૨મ પુણ્યોદયે તત્ત્વજ્ઞ અધ્યાત્મરસિક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા પાસે ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથનો અભ્યાસ ક૨વાની મને સોનેરી તક સાંપડી, તે બદલ આ ઉપકારી મહાત્માઓની હું ઋણી છું.
આ ગ્રંથના ગુજરાતી વિવરણના પ્રૂફસંશોધનાદિ કાર્યમાં શ્રુતોપાસક-શ્રુતપિપાસુ સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયનીવાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતા અનુભવેલ છે.
આ ગ્રંથરત્ન દ્વારા મને અને અન્ય વાંચકોને યોગમાર્ગની પ્રાપ્તિ થાય, સંસા૨ ટૂંકો થાય અને મોક્ષધામ પ્રતિ શીઘ્ર ગતિએ પ્રયાણ કરીએ અને પરમપદને પામીએ એ જ અભ્યર્થના.
શાસનસમ્રાટ પ. પૂ. નેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂ. સાધ્વીજી ચારિત્રશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા સાધ્વીજી ઋજુમતિશ્રીજી