________________
શ્વાસના અંતવાળા મરણો તો આજ સુધીમાં ઘણાં મળ્યા પણ આશના અંતવાળું એકાદ પણ મરણ જો મળી જાય તો મહાજીવનમાં પ્રવેશ થયા વિના ન રહે એ નિશ્ચિત વાત છે.
આપણા મનને માંજી દેનારો આપણને દુશ્મન લાગે છે જ્યારે આંજી દેનારો મિત્ર લાગે છે.
ગરીબને ધનવાન પાસે શું શું છે, એ જ દેખાય છે જ્યારે ધનવાનને પોતાની પાસે શું શું નથી એ દેખાય છે. બંને દુઃખી છે.
માત્ર લોટરીની ટિકિટનો નંબર બહાર પડે છે અને રાતોરાત ધનવાન બની જવાય છે પણ ગુણવાન રાતોરાત બની જવાય એવી કોઈ લોટરીની યોજના આધ્યાત્મિક જગતમાં અમલમાં આવી નથી.
શણગારેલા મડદા કરતાંય જીવતા માણસની કિંમત વધારે છે, તો ગરીબ ઉદાર માણસની કિંમત કંજૂસ કરોડપતિ કરતાં કંઈ ગણી વધારે છે જ એમાં લેશ શંકા રાખવા જેવી નથી.
જમીનમાં પડેલા બાવળિયા ન ઉગે ત્યાં સુધી રસ્તો કદાચ ગાદી જેવો લાગે એ શક્ય છે. મનની ધરતીમાં ધરબાયેલા પાપો જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી જીવન સુંદર લાગે એ શક્ય છે પણ પ્રગટ થયા પછી?
જે તમારૂં નથી એ તમે છોડી દો... તમારૂં જે છે એ હું તમને આપી દઉં. ધર્મનો આ સંદેશ બહુ ઓછા જીવનો સંભળાય છે.
Jain Education International
૩૮
For Personal & Private Use Only
www.jainelibrary.org