________________
આ ગ્રંથના પહેલાભાગમાં ૧ થી ૮ ભાવનાનું વિવેચન કર્યું છે. બાકીનું વિવેચન પણ ટુંકમાં બહાર પાડવાની ગણતરી છે. પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા. ના શુભ આશીર્વાદથી આ કામ સફળતાને વર્યું છે.
આ ગ્રન્થ લખતાં જે વિશિષ્ઠતા આવી હોય જે સુંદરતા હોય તે ગુરુકૃપાના બળે જ છે અને જે અલ્પતા હોય, ક્ષતિ હોય તે મારી મતિમંદતાના કારણે જ છે.
જૈન શાસનના કોહિનૂર હીરા ઉપા. વિનયવિજયજી મહારાજે શાન્તસુધારસની રચના કરી આપણા ઉપર ઘણો ઉપકાર કર્યો છે. આ પુસ્તક વાંચતાં-વાંચતાં એ ઉપકારીને કદી ભૂલશો નહિ.
આ પુસ્તકના માધ્યમથી ચિત્ત શુભ ભાવનાથી વ્યાપ્ત બને. પરપદાર્થોની આસક્તિ છૂટે અને જલ્દી - જલ્દી કર્મ ક્ષય કરી મુક્તિ પ્રાપ્ત થાય એ જ શુભેચ્છા....
આ પુસ્તકનું સંપૂર્ણ સુચારૂરૂપે મુદ્રણ કરનાર એમ. બાબુલાલ પ્રિન્ટરી”ના માલિક શ્રી કીર્તિભાઈ મફતલાલ ગાંધીની મહેનત પણ ખૂબ ખૂબ અનુમોદનીય છે.
સુજ્ઞ પંડિતજનોને નમ્ર ભાવે વિનંતી કરૂં છું કે આ પુસ્તકમાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો મિત્ર ભાવે જરૂર મારું ધ્યાન દોરવામાં આવે. જેથી પુનઃ પ્રકાશનમાં ક્ષતિ દૂર કરી
શકાય.
પ્રાન્તે... આ ગ્રન્થ લખતાં લખતાં તેમાં ક્યાંક અશુદ્ધિ રહી ગઈ હોય, ક્યાંક ગ્રન્થકારના આશય વિરુદ્ધ લખાયું હોય, ક્યાંક જિનાજ્ઞાથી વિપરિત પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધે ત્રિવિધે ક્ષમાયાચના સાથે વિરમું છું.
લી. આચાર્ય શ્રી વિજય રત્નચંદ્રસૂરિ
સં. ૨૦૫૮ મહાવદ ૬ તા. ૪-૩-૨૦૦૨ શ્રી શંખેશ્વર તીર્થ,