________________
પરિચ્છેદ ૬-૪૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
બીજા દર્શનકારો આ ત્રણ ભેદથી વધારે પક્ષાભાસના બીજા કેટલાક ભેદો માને છે તે યુક્તિયુક્ત નથી. આ સમજાવવા માટે ગ્રંથકાર કહે છે કે—
૫૦
અપ્રસિદ્ધવિશેષણ, અપ્રસિદ્ધવિશેષ્ય, અને અપ્રસિદ્ધોભય, એવા બીજા પણ જે પક્ષાભાસો પરદર્શનકારો (બૌદ્ધો) વડે કહેવાયા છે. તે સમીચીન (યુક્તિસંગત) નથી. કારણ કે અપ્રસિદ્ધ જે વિશેષણ હોય છે. તેને જ સાધવાનું હોય છે. અન્યથા એટલે જો પ્રસિદ્ધને જ સાધવાનું હોય તો સિદ્ધસાધ્યતા નામના દોષનો જ અવતાર થાય. જે સિદ્ધ જ હોય, તેને સાધવું તે ઉચિત નથી. અસિદ્ધ હોય તો જ સાધવાની જરૂરિયાત રહે. જેમ પર્વતમાં વિહ્ન હોય અથવા ન પણ હોય. એટલે પ્રસિદ્ધ ન હોવાથી સાધવાની આવશ્યક્તા રહે. પરંતુ વહ્નિમાં ઉષ્ણતા પ્રસિદ્ધ જ છે. તેને સાધવા કોઇ પ્રયત્ન કરતું નથી. માટે આવા પક્ષાભાસો કલ્પવા તે યુક્તિસંગત નથી.
પ્રશ્ન– (બૌદ્ધ)– હે જૈનો ! તમે અમારી વાત બરાબર સમજ્યા નથી. વહ્નિનું હોવાપણું અને ન હોવાપણું પર્વતમાં પ્રસિદ્ધ નથી. તેથી ત્યાં (પક્ષમાં) તે ભલે અપ્રસિદ્ધ હોય. પરંતુ જગમાત્રમાં તો વહ્નિ પ્રસિદ્ધ જ છે. એટલે જગમાં સર્વત્ર જે પ્રસિદ્ધ હોય અને માત્ર વિવક્ષિત એવા પક્ષમાં જ અપ્રસિદ્ધ હોય તેવા સાધ્યને સાધે ત્યારે
પક્ષાભાસ કહેવાતો નથી. પરંતુ સર્વત્ર (સંસારમાત્રમાં-પક્ષ-સપક્ષ અને વિપક્ષ એમ ત્રણેમાં) જે પ્રસિદ્ધ ન હોય અર્થાત્ અપ્રસિદ્ધ જ હોય એવા પ્રકારના સાર્વત્રિક પ્રસિદ્ધચભાવને અમે અહીં પક્ષાભાસ તરીકે કહીએ છીએ. પરંતુ પક્ષમાત્ર રૂપ તે ધર્મિમાં અપ્રસિદ્ધ જે સાધ્ય હોય તેને અમે પક્ષાભાસ કહેતા નથી. કહેવાનો આશય એ છે કે પક્ષ-સપક્ષ અને વિપક્ષ એમ સાધ્ય માટેનાં ત્રણ સ્થાનો હોય છે. ત્યાં વિપક્ષમાં તો સાધ્યની અવિધમાનતા જ હોવાથી અપ્રસિદ્ધ છે જ. પક્ષમાં સંદેહ હોવાથી અપ્રસિદ્ધ છે જ. ફક્ત સપક્ષમાં સાધ્ય નિશ્ચિતપણે હોવું જોઇએ. તેને બદલે જો ત્યાં પણ અપ્રસિદ્ધ જ હોય તો સાર્વત્રિક અપ્રસિદ્ધિ થવાથી અન્વયવ્યાપ્તિમાં સપક્ષનું ઉદાહરણ ન મળવાથી હેતુ ખોટો ઠરે. એટલે આવા સાર્વત્રિક અપ્રસિદ્ધ સાધ્યવાળા પક્ષને જ અમે પક્ષાભાસ કહીએ છીએ. જેમકે– સાંખ્યદર્શન સર્વ વસ્તુઓને નિત્ય માને છે. એટલે તેઓના મતે વિનાશિત્વ કોઇપણ ધર્મીમાં પ્રસિદ્ધ નથી. (વિપક્ષ અને પક્ષમાં ન હોય તો તો ચાલે. પરંતુ સપક્ષમાં પણ ક્યાંય નથી). કારણકે તેઓએ પૂર્વાવસ્થાનો તિરોભાવ માત્ર જ કહ્યો છે. વિનાશિપણું ક્યાંય માન્યું જ નથી. તેથી સર્વત્ર અપ્રસિદ્ધ એવું (વિશેષે કરીને સપક્ષમાં અપ્રસિદ્ધ એવા) વિનાશિત્વ સાધ્યને સાધતાં તેઓને પક્ષાભાસ દોષ થશે. એમ અમારું (બૌદ્ધોનું) કહેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org