________________
૨૮૬
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ આત્મા શું વિજાતીય કારણો વડે કરાય છે કે સજાતીય કારણો વડે કરાય છે? આવા પ્રશ્નો થશે. જો પ્રથમ પ્રકાર કહીએ તો તે ઉચિત નથી. કારણકે જે કારણો જે કાર્યનાં વિજાતીય હોય છે. તે કારણો વડે તે કાર્ય આરંભાતું નથી. જેમ તમ્બુવડે ઘટ ન આરંભાય અને કપાલ વડે પટ ન આરંભાય. તેમ આત્મત્વધર્મ વિનાના વિજાતીય એવા અણુઓ વડે આત્મા ન બનાવાય.
હવે બીજો પક્ષ જો સ્વીકારીએ તો સજાતીય અંશો વડે આ આત્મા બનાવાય છે. એવો અર્થ થયો. આત્માને બનાવનારા અંશોમાં જો “આત્મત્વધર્મ” હોય તો જ તે કાર્ય કરવાને અનુરૂપ સજાતીય કહેવાય. અર્થાત્ તે અંશોનું સજાતીયપણું “આત્મત્વ ધર્મના” સંબંધથી જ ઘટે. હવે જો આત્માને બનાવનારા અનેક અંશો “આત્મત્વધર્મ” વાળા જ હોય તો તે અનેક આત્માઓ જ છે એવો અર્થ થયો. અને તેથી અનેક આત્માઓ વડે આ આત્મા બનાવાય છે એવો અર્થ આવ્યો. પરંતુ આ અર્થ અયુક્ત છે. કારણકે એક જ શરીરમાં આત્મતત્ત્વના આરંભક (ઉત્પાદક) એવા અનેક (અંશો રૂ૫) આત્માઓનો અસંભવ છે. અથવા માનો કે એક આત્માના ઉત્પાદક એવા અનેક આત્માઓ એક શરીરમાં છે. તો પણ તેઓમાં “પ્રતિસંધાન” ઘટશે નહીં. પૂર્વકાળમાં અનુભવેલી વસ્તુનો વર્તમાન કાળે સ્મરણપૂર્વક અનુભવ કરાય તે પૂર્વાપર સંક્લનાવાળું જે જ્ઞાન તે પ્રતિસંધાન કહેવાય છે.
અહીં અનેક આત્માઓ ઉત્પાદક હોવાથી જે ઉત્પાદક આત્માઓ છે. તે અન્ય છે. અને તેનાથી ઉત્પન્ન થનારો આત્મા પણ અન્ય છે. બન્ને ભિન્ન હોવાથી પ્રતિસંધાન સંભવે નહીં. કારણકે અન્ય વડે જોવાયેલી વસ્તુનું અન્યને સ્મરણ થતું નથી. જો સ્મરણ થાય છે એમ માનીએ, તો અતિવ્યાપ્તિ આવે. ચૈત્રે જોયેલી વસ્તુનું સ્મરણ મૈત્રને પણ થવું જોઇએ.
વળી જો તરખ્યત્વે વાચ=આ આત્માનું તે સજાતીય અવયવો વડે ઉત્પાદ્યત્વ માનીએ તો તે અવયવોમાં ચલન નામની (અવયવોની ખસી જવા રૂ૫) ક્રિયા થવાથી અવયવોના સંયોગનો વિનાશ થવાથી ઘટની જેમ આ આત્માનો પણ વિનાશ માનવો પડશે. એટલે કે અનેક અવયવોના સંયોગથી જેમ પટ બન્યો છે. તેમાંથી એક-બે તંતુનો સંયોગ નાશ થવાથી પટનો નાશ થાય છે. તેમ આત્માના આરંભક એવા અવયવરૂપ આત્માઓના સંયોગના નાશની ક્રિયા થવાથી મૂલ ઉત્પાદ્યભૂત આત્મા પણ નાશ પામશે. તેથી આત્મા અનિત્ય થઇ જશે. માટે તે જૈન ! આત્મા શરીરવ્યાપી નથી. પરંતુ સર્વવ્યાપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org