________________
૫૮ ૦ અભિષેક
કાયમને માટે છૂટી જાય એટલે આત્માની મુક્તિ થાય. એ મુક્તિ જ એમનું જીવનસર્વસ્વ બની બેઠી હતી.
આત્મસાધના અને આત્મશુદ્ધિની તાલાવેલીએ એમને રાજપાટ અને સ્વજન-સ્નેહીઓનો ત્યાગ કરાવીને યોગીનો ભેખ ધારણ કરાવ્યો હતો. જન્મના રાજકુમારને મહેલનાં સુખ અકારાં થઈ પડ્યાં હતાં, જંગલનાં કષ્ટો પ્રિય થઈ પડ્યાં હતાં !
એમણે કોઈ અલૌકિક સિદ્ધિનાં દર્શન કર્યા હતાં, અને એ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે એમનો પુરુષાર્થી આત્મા અધીર બની ગયો હતો – અમૂલખ મોતીની કલ્પના મરજીવાને ભયંકર સાગરનાં અતળ તળિયાંને શોધવા પ્રેરી રહે એમ.
મહાવીરે સંસારવાસનો ત્યાગ કર્યો હતો અને વનવાસનો મારગ સ્વીકાર્યો હતો. પહેલું ચોમાસું એમણે પોતાના પિતાના તાપસમિત્રની વિનતિથી મોરાક ગામમાં એના આશ્રમમાં વિતાવવાનું નક્કી કર્યું અને તેઓ ત્યાં જઈને રહ્યા.
આશ્રમના કુલપતિ તાપસે મહાવીરને રહેવા એક ઝૂંપડી આપી. ઝૂંપડી ઘાસની બનેલી અને મહાવીર તો મોટે ભાગે આત્મધ્યાનમાં જ લીન રહેનારા. ક્યારેક ભૂખી ગાયો આવીને ઝૂંપડીના ઘાસને ચરી જવા લાગી; કાચી ઝૂંપડી વધુ જીર્ણશીર્ણ બનવા લાગી.
શરૂઆતમાં તો તાપસો ભક્તિભાવથી પ્રેરાઈને ગાયોને હાંકીને ઝૂંપડીનું જતન કરતા રહ્યા, પણ ફટકિયા મોતી જેવી એમની ભક્તિ ઝાઝો વખત ન ટકી. એમને થયું આ તે કેવી ઉપેક્ષા ! અરે, પશુ પણ પોતાના રહેઠાણનું જતન કરે છે ! - એક દિવસ આશ્રમના કુલપતિએ આ માટે મીઠા શબ્દોથી મહાવીરને ઠપકો આપ્યો અને ઝૂંપડીનું જતન કરવાની શિખામણ આપી.
મહાવીરે વિચાર્યું : વાત તો સાચી છે, પણ હું તે મારા આત્માની રક્ષા કરું કે ગાયોને હાંકીને ઝૂંપડીની સાચવણી કરતો રહું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org