________________
પ્રેમ-પાવકની જ્વાળા ૦ ૧૦૧
શિષ્યો તો સાંભળીને થંભી જ ગયા ? આ ઉંમરે આટલો લાંબો અને આટલો વિકટ વિહાર ! અને તે પણ આપણા દોષે ? દોષ આપણો અને શિક્ષા ભોગવે આપણા ગુરુ ? આ તો મહાપાતક ! અને પછી તો દવે દીવો પેટાય એમ ગુરુના અંતસ્તાપે શિષ્યોના અંતરમાં અંતસ્તાપની પરંપરા પ્રગટાવી દીધી. સૌ પોતાની જાતને, પોતાના દોષને ધિક્કારવા લાગ્યા. પશ્ચાત્તાપનો પાવક જાણે ત્યાં મહાનલરૂપે પ્રગટી નીકળ્યો.
પણ હવે માત્ર પશ્ચાત્તાપ કરે કશું વળે એમ ન હતું, હવે તો પગલું ભરવાની જ જરૂર હતી. સર્વ નિગ્રંથોએ નિશ્ચય કર્યો કે આપણે વહેલાંમાં વહેલાં સુવર્ણભૂમિ પહોંચીને આપણા અવિનયની આચાર્ય ભગવાન પાસે ક્ષમા માગીએ તો જ આ દોષનું કંઈક પણ નિવારણ થઈ શકે.
અને એક દિવસ સર્વ શ્રમણો સુવર્ણભૂમિ તરફ વિહરી ગયા. માર્ગ કપાતો જાય છે, તેમ તેમ શિષ્યોની અધીરાઈ વધતી જાય છે. સૌને થાય છે ? ક્યારે સુવર્ણભૂમિ પહોંચીએ અને કયારે પશ્ચાત્તાપનાં અશ્રુથી ગુરુચરણોનું પ્રક્ષાલન કરીએ.
માર્ગમાં લોકો પૂછે છે, કે આ કયા આચાર્ય સપરિવાર વિહરી રહ્યા છે, તો શિષ્યો જવાબ આપે છે કે, “આચાર્ય કાલક !” આચાર્ય જાણે પોતાની સાથે ને સાથે હોય એમ સર્વ શિષ્યો વિનીતભાવે વર્તે છે અને અપ્રમત્ત બનીને જ્ઞાન-ધ્યાન, પઠન-પાઠન અને અનુયોગમાં સતત રત રહે છે. આલસ્યનું તો એ હવે નામ પણ વીસરી ગયા છે.
જાણે આર્ય કાલકની તપશ્ચર્યા સૌનાં અંતરના પંકને પ્રજાળી રહી છે ? એમની ભાવનાની વેલ પાંગરવા લાગી છે. શિષ્યોનાં મન શુદ્ધવિશુદ્ધ બનતાં ચાલ્યાં છે.
લોકમુખે વાત વહેતી વહેતી શ્રમણ સાગરને કાને આવી. એણે જાયું છે કે મારા દાદાગુરુ, પરમપુરુષ આર્ય કાલક, પોતાના પરિવાર સહિત, આ સુવર્ણભૂમિમાં પધારી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org