________________
ઉદારતા ૧૯૫
શીલનું તેજ એમનાં મુખ પર વિલસી રહ્યું હતું. બે ય ચૌદે વિદ્યામાં પારંગત અને કોઈની સાથે વાદવિવાદમાં કદી પાછા પડે નહીં એવા કાબેલ; અને સાથે સાથે પરગજુ પણ એવા જ. વિદ્યાનું મિથ્યા અભિમાન તો એમને સ્પર્શતું જ ન હતું.
શ્રેષ્ઠીને વિવેક-વિનયયુક્ત આ બન્ને યુવાન, વિદ્વાન બ્રાહ્મણપુત્રો ગમી ગયા. એમણે એમને પોતાને ત્યાં રોકાઈ જવા આગ્રહ કર્યો. બન્ને રોકાઈ ગયા.
એક વાર આચાર્ય વર્ધમાનસૂરિ ધારાનગરીમાં આવી પહોંચ્યા. લક્ષ્મીપતિ શ્રેષ્ઠીએ એમનું બહુમાનપૂર્વક સ્વાગત કર્યું અને પોતાને ત્યાં આવેલા બે વિદ્વાનોની વિદ્યાની અને સુશીલતાની ખૂબ પ્રશંસા કરી.
જ્ઞાની આચાર્ય શ્રેષ્ઠીની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા; અને પછી, જાણે કોઈ ભાવિના ઊંડા ભેદ ઉકેલતા હોય એમ, વિચારમગ્ન બની ગયા. એમને આ બે પંડિતોમાં જાણે શાસનના ભાવી સ્તંભોનાં દર્શન થયાં.
બન્ને પંડિતો પણ જેમ વિદ્યાના ખપી હતા, તેમ આત્માના પણ શોધક હતા. આચાર્યશ્રી સાથેની શાસ્ત્રવાર્તામાં શ્રમણોનો અહિંસાધર્મ એમના અંતરમાં વસી ગયો; અને બન્ને યુવાનો વર્ધમાનસૂરિના ચરણે બેસી ગયા. ગુરુએ શ્રીધરનું નામ જિનેશ્વર અને શ્રીપતિનું નામ બુદ્ધિસાગર રાખ્યું
વર્ધમાનસૂરિએ આ બન્ને શિષ્યોને કેટલોક વખત પોતાની પાસે રાખીને જ્ઞાન અને ચારિત્રના માર્ગમાં સ્થિર બનાવ્યા. મૂળે વિદ્યાવાન અને શીલસંપન્ન તો હતા જ, તેમાં આવા જ્ઞાની અને આત્મસાધક ગુરુનો યોગ મળી ગયો; પછી તો કહેવું જ શું ? સોનું અને સુગંધ જાણે સહજ રીતે ભેગાં થઈ ગયાં !
આવા સુયોગથી આચાર્યનું મન સંતોષ અનુભવી રહ્યું. એમને થયું : છેવટે ધર્મના ઉદ્ધારકો અને શિથિલતાના ઉચ્છેદકો મળી ગયા ખરા. અને તેઓ એ શિષ્યો પ્રત્યે વધારે મમતાળુ બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org