________________
૧૬૬ ૦ અભિષેક
મુનિવરને તો રોતીને પિયરિયા મળ્યા જેવું કે દોડતાને ઢાળ મળ્યા જેવું થયું.
પિતાનો સ્વર્ગવાસ અને રોજ ભિક્ષા માગવાની ઉપાધિ અને બીજી પણ કંઈ કેટલી માથાકૂટો ! એ બધાથી એ કંટાળી ગયા હતા. એમાં આવું સુખવૈભવભર્યો આરામ માણવાનું ભાવભર્યું આમંત્રણ મળ્યું. મનને ઊંડે ઊંડે જે જોઈતું હતું તે કહેનાર જાણે વૈદ્ય મળી ગયો.
પછી તો માનુની અને મુનિવર વચ્ચે કંઈ કંઈ વાતચીત થઈ, અને વાતે વાતે મુનિવરનું મન, સુંવાળી ભૂમિ ઉપર પગ લપસવા લાગે એમ, આરામ અને આનંદ તરફ લપસવા લાગ્યું.
પછી તો માનુની અને મુનિવરનાં મનડાંએ કંઈ કંઈ અબોલ બોલ બોલી લીધા. મુનિવરનું અપક્વ મન રમ્ય હવેલી અને મનહર માનુનીની છાયામાં આરામ શોધી રહ્યું. મુનિ અરણિકની ભિક્ષાઝોળી તે દિવસે ઉપાશ્રયે પાછી ન આવી !
ગોચરીનો સમય વીતી ગયો છતાં શ્રમણ અરણિક પાછા ના આવ્યા.
બીજા શ્રમણોએ વિચાર્યું : “તાપને કારણે ક્યાંક રોકાઈ ગયા હશે, હમણાં આવી પહોંચશે.'
બીજો એક પ્રહર વીત્યો, છતાં મુનિ તો ન જ આવ્યા. • બીજા શ્રમણોએ નગરમાં તપાસ કરી, પણ એનો પત્તો ન લાગ્યો. શ્રમણો વિમાસણમાં પડી ગયા; પણ એ કરે શું ?
પછી તો વાત નગરમાં ચર્ચાનો વિષય બની ગઈ. આ રીતે મુનિ અદૃશ્ય થઈ જાય એમાં કોઈને અચંબો લાગ્યો, કોઈને કુતૂહલ થયું, કોઈને ધર્મની હાનિ થતી લાગી અને કોઈના મનમાં ગ્લાનિ અને કરુણાના ભાવ ઊભરાઈ આવ્યા.
પણ બધા મનમાં ને મનમાં જ આવી લાગણીઓ અનુભવતા કોઈને હવે શું કરવું એ જાણે સૂઝતું જ ન હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org