________________
૧૭૮ ૦ અભિષેક
ગાળિયા બળદને ગમે તેટલો બચકારીએ, એનું પૂછડું આમળીએ, એને પરોણી મારીએ કે આર ભોંકીએ – એથી કશો અર્થ ન સરે. છેવટે એવો બળદ પોતે ય બેસી જાય અને ગાડાને પણ બેસારી દે !
આચાર્ય વધુ ગંભીરપણે વિચારે છે, વધુ અંતર્મુખ બને છે અને હવે તો એ પોતાની જાતને જ પ્રશ્ન પૂછે છે ઃ આવા અયોગ્ય શિષ્યોને હજી પણ હું શું કામ વળગી રહ્યો છું ? એમને શા માટે સંગ્રહી રહ્યો છું? શું ઊંડે ઊંડે શિષ્યમોહની વાસના તો કામ નથી કરી રહી ને ? જે પોતાનું પણ કલ્યાણ નથી કરવાના, અને જે મારા માટે કે શાસનને માટે કેવળ ગળિયા બળદની જેમ ભારરૂપ જ સાબિત થવાના છે, એમના પ્રત્યે મોહ કેવો? બીજું કંઈ નહીં તો છેવટે મારી જાતને તો આવા બોજથી બચાવી લઉં.
અને એક દિવસ એમને પોતાનો માર્ગ લાધી ગયો, એમણે પોતાનો સંકલ્પ કરી લીધો.
અને નાગરાજ કાંચળી ઉતારીને ચાલતો થાય એમ એ બધા ય શિષ્યોનો ત્યાગ કરીને ગાગ્યચાર્ય ચાલતા થયા. શિષ્યો પ્રત્યેનો મોહ એમને જરા પણ ન રોકી શક્યો.
નિર્મોહી ગુરુ વધારે નિર્મોહી બનીને આત્મસાધનામાં લીન બની
ગયા.*
* ઉત્તરાધ્યયન સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org