________________
નિસ્તાર ૦ ૭૧
મહાશાલની ભગિની યશોમતીનો પુત્ર થાય.
પોતાના ભાણેજને રાજ્યભાર સોંપી બન્ને ભાઈ રાજકારભારની ચિંતાથી મુક્ત થયા.
અને તે જ ક્ષણે. સર્પ જેમ કાંચળી ઉતારી ચાલતો થાય તેમ, સંસારની મોહમાયાને ઉતારી શાલ અને મહાશાલ પ્રભુને પગલે ચાલી નીકળ્યા. - ત્યાગની આવી વિરલ સ્પર્ધાને જાણે અભિનંદતાં હોય તેમ, દૂર દૂરના સરોવરમાં કમળો ખીલી રહ્યાં હતાં.
[૨] ગિરિકંદરામાંથી વહી નીકળતી સરિતા છેવટે મહાસમુદ્રમાં વિલીન થઈ જાય તેમ, રાજ્ય-વૈભવનો ત્યાગ કરી ચાલી નીકળેલ શાલ અને મહાશાલ રાજવીઓ પ્રભુ સાથેના મુનિમંડળમાં વિલીન થઈ ગયા. મુનિવેષનું અણિશુદ્ધ ગૌરવ એ જ એમની પ્રિય પ્રવૃત્તિ બની. અત્યાર લગી રાજ્યસંચાલન અને આનંદવિનોદમાં ટેવાયેલું તેમનું મન હવે શાસ્ત્રાભ્યાસમાં પરોવાઈ ગયું. સતત અધ્યયન, ઉગ્ર તપશ્ચરણ અને વિશુદ્ધ સંયમનું પાલન એ જ તેમને ઈષ્ટ થઈ પડ્યું હતું. બહારની દુનિયા અંતરમાં સમાઈ ગઈ હતી. સહસ્રદળ કમળ પોતાની લીલા સંકેલી લીધી હતી.
શ્રમણ ભગવાન મહાવીરની અમોઘ દેશનાથી પ્રતિબોધ પામી, શાલ-મહાશાલ રાજવૈભવનો ત્યાગ કરી ચાલી નીકળ્યા તે વખતે તેમને સંસારની અસારતાનું માત્ર જ્ઞાન જ હતું – તેનો જાતઅનુભવ મેળવવો હજી બાકી હતો. એ જાતઅનુભવ એમને હવે થવા લાગ્યો. જેમ જેમ એ સંયમનો રંગ વધુ ઘેરો થતો ગયો તેમ તેમ તેમનો આત્મા વધુ આનંદનો અનુભવ કરવા લાગ્યો. તેમને થયું ઃ અનિત્ય સંસાર સાચે જ મહાદુઃખનું કારણ છે ! એનો સર્વથા ત્યાગ કર્યા સિવાય આત્માને સુખ મળવું શક્ય નથી. બંધનોને છેદ્યા વિના મુક્તિનો લાભ ન મળી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org