________________
૮૨ અભિષેક
બોલ્યો : “દેવાર્ય ! આપની વાણીથી મારા મનના મોહડંકનું પ્રક્ષાલન થઈ ગયું છે. ઘરમાં રહીને એશઆરામ કરવાની કોઈ વાસના હવે રહી નથી. ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિના ત્રિવેણીસંગમના આરે હું મારા જીવનના પંકજને ખીલવવા ચાહું છું. મને આપના શરણમાં રહેવાની અનુમતિ આપવાનો અનુગ્રહ કરો !”
આર્ય કાલક પળવાર એ આગન્તુકની સામે જોઈ રહ્યા ઃ કેવી સુંદર તરુણાવસ્થા હતી ! ગુરુએ મૌન-વ્યાખ્યાન કર્યું. આવેલો યુવાન શ્રમણ બનીને એમની સેવામાં રહી ગયો.
જુવાન સાધુ સદા ગુરુની પાસે ને પાસે જ રહે છે, ગુરુનો પડછાયો બની એમની સેવા-શુશ્રુષામાં રત રહે છે. વિદ્યા-અધ્યયનની એની લગની ભારે છે. એ તો જ્ઞાની ગુરુને વારે વારે પ્રશ્નો પૂછ્યા કરે છે. ગુરુ પણ જાણે સુપાત્ર મળી ગયું હોય એમ વિદ્યાનું દાન દેતાં થાકતા નથી. લોકો કહે છે ઃ ખરી મળી છે આ ગુરુ અને શિષ્યની બેલડી !
આર્ય કાલકને શિષ્યો તો અનેક હતા, પણ એમને આ નવા શિષ્યમાં ભારે હીર દેખાયું. એમના અંતરમાં આ જિજ્ઞાસુ શિષ્ય ઉપર ભારે ભાવ જન્મ્યો. લેનાર થાકે તો દેનાર ન થાકે, અને દેનાર થાકે તો લેનાર ન થાકે એવી જ્ઞાનોપાસનાની અવિરત ધારા ત્યાં વહી રહી. શું શિષ્યની બુદ્ધિની ચમત્કૃતિ !
શું ગુરુની જિજ્ઞાસાપૂર્તિની અપૂર્વ શક્તિ !
શિષ્યને વિદ્યાઉપાસના અને ગુરુસેવા, એ સિવાય બીજું બધું તુચ્છ લાગે છે. ગુરુ પણ અહર્નિશ આ નવા શિષ્યના જીવનવિકાસનું ધ્યાન રાખી રહ્યા છે. શિષ્યની વિદ્યાવૃત્તિ જોઈ ગુરુનું અંતર અતિ સંતુષ્ટ બની જાય છે.
આર્ય કાલક ક્યારેક વિચારે છે : કેવો વિદ્યાપરાયણ શિષ્ય છે ! જો જ્ઞાનમાં પારંગત બનીને ચારિત્રમાં એકનિષ્ઠ બની જાય તો એનો બેડો પાર થઈ જાય, પ્રભુશાસનનો મહિમા વિસ્તરવા લાગે અને મારું ગુરુપદ પણ ધન્ય બની જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org