________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૪
૭૯ પરમાર્થથી કાંઈ આપનાર નથી તેથી જેમ અયોગ્ય શિષ્યમાં આજ્ઞાપની ભાષા અસત્ય છે તેમ ભગવાન પાસે કરાતી યાચના પણ મૃષા ભાષામાં અંતર્ભાવ પામશે એ પ્રકારની શંકાના નિવારણ અર્થે ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –
ભગવાનની ભક્તિથી બોલાયેલી યાચનીભાષા મૃષાભાષા નથી. જો કે ભગવાન યાચનાના વિષયભૂત વસ્તુ આપતા નથી તોપણ ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિનું કારણ હોવાથી અને ભગવાન પાસે ઉચિત યાચના કરીને વિવેકસંપન્ન જીવો આરોગ્ય, બોધિલાભને અનુકૂળ પોતાનું અંતરંગબળ સંચય કરે છે તેથી નિશ્ચયથી તે ભાષા સત્યભાષામાં અંતર્ભાવ પામે છે અને વ્યવહારથી તત્ત્વને કહેનાર તે ભાષા નહિ હોવા છતાં તત્ત્વની પ્રાપ્તિનું કારણ હોવાથી અસત્યામૃષાભાષામાં અંતર્ભાવ પામે છે. જેમ યોગ્ય જીવમાં આજ્ઞાપનીભાષા યોગ્ય શિષ્યના હિતનું કારણ બને છે તેમ વિવેકસંપન્ન પુરુષથી બોલાયેલ પ્રાર્થના વચન ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ કરીને પ્રાર્થનાના વિષયભૂત આરોગ્ય, બોધિલાભને અનુકૂળ શક્ય ઉદ્યમ કરવા માટે જીવને ઉત્સાહિત કરે છે માટે મૃષા નથી.
વળી પ્રાર્થનાના વિષયભૂત આરોગ્ય, બોધિલાભ મોક્ષમાં ગયેલા તીર્થકરો આપતા નથી તોપણ પરમાર્થથી તીર્થકરોનું દાતૃત્વ છે જ; કેમ કે જે તેઓના વડે યોગ્ય જીવોને આપવા જેવું હતું તે સર્વ જિનેશ્વરોએ આપ્યું જ છે અને પરમાર્થથી અન્ય જીવોને આપવા યોગ્ય રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ જ છે અને તે ભગવાને આપ્યો જ છે તેથી ભગવાન પ્રત્યે ભક્તિથી પ્રેરાઈને આરોગ્ય, બોધિલાભ આદિની પ્રાર્થના કરનારા યોગ્ય જીવો ભગવાને આપેલા ઉપદેશને જ પરિણમન પમાડવા યત્ન કરે છે તેથી ભગવાનને અવલંબીને મોક્ષમાર્ગનો ઉપદેશ તેઓને પૂર્વ પૂર્વ કરતાં વિશેષ વિશેષ પરિણમન પામે છે માટે તે પ્રાર્થનાને અનુરૂપ ફળની પ્રાપ્તિ જીવને થાય જ છે તેથી તે ભાષાને યાચનીભાષા કહેવામાં કોઈ વિરોધ નથી અર્થાત્ જેમ ઉચિત સ્થાને ભિક્ષાની યાચના કરનારને પ્રાર્થનાના વિષયભૂત ભિક્ષાની પ્રાપ્તિ થાય છે તેમ ઉચિત સ્થાને આરોગ્ય, બોધિલાભ આદિની પ્રાર્થના કરનાર જીવને ભગવાનનો ઉપદેશ પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક સૂક્ષ્મ પરિણમન પામે છે, તેથી પ્રાર્થનાના વિષયભૂત ફળની પ્રાપ્તિ પ્રાર્થના કરનારને અવશ્ય થાય છે.
અહીં પ્રશ્ન થાય કે ભિક્ષા આદિની યાચનામાં જે દાતૃત્વ છે તે મુખ્ય દાતૃત્વ છે અને ભગવાને જે મોક્ષમાર્ગ આપ્યો છે તેમાં ગૌણ દાતૃત્વ છે; કેમ કે ભિક્ષાની જેમ ભગવાન પ્રાર્થના કરનારને કાંઈ આપતા નથી. એ પ્રકારની શંકાના નિવારણ અર્થે કહે છે – દાતૃત્વ અંતરનું મુખ્યપણું સ્વીકારવામાં કોઈ વિનિગમક નથી.
આશય એ છે કે સાધુ સંયમ અર્થે ભિક્ષા યાચના કરે છે અને તે ભિક્ષા આપનારનું મુખ્ય દાતૃત્વ છે; કેમ કે સાધુને યાચનાના વિષયભૂત ભિક્ષાની પ્રાપ્તિ થાય છે. તેમ ભૂલથી જોનારને જણાય અને ભગવાન પાસે આરોગ્ય, બોધિલાભ માંગનારને ભગવાન સાક્ષાત્ કાંઈ આપતા નથી પરંતુ ભગવાને જે મોક્ષમાર્ગ આપ્યો છે તે વિવેકી જીવોને પ્રસ્તુત પ્રાર્થનાથી વિશેષરૂપે પ્રાપ્ત થાય છે ત્યાં ભિક્ષાની જેમ સાક્ષાત્ દાતૃત્વ દેખાતું નથી માટે ગૌણ દાતૃત્વ છે તેવી કોઈને બુદ્ધિ થાય, તેથી ગ્રંથકારશ્રી કહે છે –