________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૧
૧૩૯
તેથી એ પ્રાપ્ત થાય કે આ ફળોના ભારને ધારણ કરવા માટે આ વૃક્ષ અસમર્થ છે તે વચનથી અન્ય સાધુને તેવો જ બોધ થાય છે કે તે સ્થાનમાં પક્વ ફળો છે પરંતુ અસમર્થ બોલવાથી અન્ય કોઈ શ્રોતાને આગળમાં પાકેલા ફળવાળાં વૃક્ષો છે તેવો બોધ થતો નથી માટે આરંભ સમારંભનો પરિહાર થાય છે.
વળી પાકખાદ્યને બદલે બહુનિવર્તિતફળવાળાં છે તેમ કહેવું જોઈએ, વળી કોઈક સ્થાને વેળા ઉચિત ફળવાળાં હોય તો બહુસંધૃતફળવાળાં છે એવો પ્રયોગ કરવો જોઈએ જેથી આરંભની પ્રવૃત્તિ થાય નહિ.
વળી કોઈ ઠેકાણે અબદ્ધ અસ્થિવાળાં ફળો છે એમ કહેવાથી તેવાં ફળના અર્થી જીવોની પ્રવૃત્તિ થવાનો પ્રસંગ આવે, તેથી તેના સ્થાને ભૂતરૂપ ફળો છે તેમ કહેવું જોઈએ અર્થાત્ હજી પ્રારંભિક ઉત્પન્ન થયેલાં એવાં ભૂતરૂપ આ ફળો છે એમ કહેવું જોઈએ, જેથી અન્ય સાધુને યથાર્થ બોધ થાય અને લોકોની તેવી પ્રવૃત્તિ થાય નહિ.
અહીં કોઈને શંકા થાય કે કોઈ પ્રાજ્ઞને તેવા ગૂઢ અર્થવાળા શબ્દોથી પણ યથાર્થ બોધ થાય તો જેમ અન્ય સાધુને તે સ્થાનવિષયક યથાર્થ બોધ થાય છે તેમ અન્ય ગૃહસ્થને પણ તે ફળવિષયક યથાર્થ બોધ થવાથી સાધુના વચનને અવલંબીને તેના ગ્રહણ આદિ માટે પ્રવૃત્તિ કરે તો સાધુનું વચન આરંભની પ્રવૃત્તિનું કારણ બનવાથી અધિકરણાદિ દોષની પ્રાપ્તિ થાય. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું, કેમ કે શાસ્ત્રમાં સાક્ષાત્ અધિકરણ દોષના પ્રવૃત્તિના જનક એવાં વચનો જ સાધુએ બોલવાં જોઈએ નહિ એમ કહેલ છે, તેથી શાસ્ત્રવચનનું સ્મરણ કરીને જે સાધુ તેના પરિવાર અર્થે ગૂઢાર્થવાળા શબ્દપ્રયોગો કરે છે જેથી સામાન્ય શ્રોતાને તે વચનો સાંભળીને આરંભમાં પ્રયત્ન કરવાનો સંભવ રહે નહિ અને પ્રકૃતિ સ્થાનમાં સાધુ અન્ય સાધુના સંયમમાં ઉપખંભક થવાના શુભાશયથી તે પ્રકારનાં વચનો બોલે છે અને તે વચનથી કોઈક રીતે ગૃહસ્થને યથાર્થ બોધ થાય અને તેના કારણે આરંભ સમારંભની પ્રવૃત્તિ થાય તો સાધુને દોષની પ્રાપ્તિ નથી; કેમ કે સાધુના અધ્યવસાયને અનુરૂપ જ કર્મબંધ થાય છે તેથી આરંભ-સમારંભના પરિવાર અર્થે યતનાપરાયણ સાધુ શાસ્ત્રમર્યાદા અનુસાર બોલે તેનાથી અન્ય જીવોની જે કુપ્રવૃત્તિ થાય છે તે અશક્યપરિહારરૂપ હોવાથી તે આરંભજન્ય દોષ સાધુને પ્રાપ્ત થતો નથી અને જો તેમ ન માનવામાં આવે તો અતિપ્રસંગદોષ પ્રાપ્ત થાય.
અર્થાત્ કોઈ સુસાધુ યતનાપૂર્વક નદી ઊતરતા હોય કે વિહારાદિ કરતા હોય અને તેમના યોગને પામીને અશક્યપરિહારરૂપ જે હિંસા થાય છે ત્યાં પણ હિંસાદોષકૃત કર્મબંધની પ્રાપ્તિનો પ્રસંગ પ્રાપ્ત થાય. વસ્તુતઃ સંયમના પરિણામવાળા સાધુ આરંભ-સમારંભના પરિવાર અર્થે યતનાપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરે ત્યારે તે મહાત્માનો અધ્યવસાય વિશુદ્ધ હોવાથી કોઈ સૂક્ષ્મ જીવ તેમના યોગને પામીને મરે તેનાથી તનુમાત્ર પણ કર્મબંધ તે મહાત્માને થતો નથી, તેમ જિનવચનાનુસાર ઉપયુક્ત થઈને જે સાધુ અન્ય સાધુના સંયમના ઉપકારના પ્રયોજનથી ગૂઢાર્થવાળા શબ્દો દ્વારા તેઓને બોધ કરાવે છતાં કોઈ આરંભની પ્રવૃત્તિ અન્ય જીવ કરે ત્યારે તે પ્રકારના આરંભના પરિવાર અર્થે જ ઉપયુક્ત થઈને બોલનારા સાધુનો વિશુદ્ધ પરિણામ હોવાથી બાહ્યથી થતી તે હિંસાથી અલ્પમાત્ર પણ કર્મબંધ તે સાધુને થતો નથી.