________________
૧પ૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૪ થાય અને સુંદર છેડાયેલા વનને જોઈને માર્ગ ચોખ્ખો દેખાવાથી સહેજ પ્રીતિ થાય તોપણ અનુમોદનનો પ્રસંગ પ્રાપ્ત થાય; કેમ કે મનથી પ્રીતિ થાય તે માનસિક અનુમોદન છે, વચનથી પ્રશંસાવચન તે વાચિક અનુમોદનરૂપ છે અને કાયાથી જોઈને હર્ષની અભિવ્યક્તિના ચિહ્નો તે કાયિક અનુમોદન છે તેથી વચનથી પ્રશંસા કરતી વખતે ત્રણેય અનુમતિનો પ્રસંગ પ્રાપ્ત થઈ શકે છે.
વળી તે વચનને સાંભળીને તેને અનુરૂપ ગૃહસ્થ કોઈ કૃત્ય કરે તો કરાવણ દોષની પણ પ્રાપ્તિ થઈ શકે. વળી કોઈ ક્ષુદ્ર જીવે કોઈ અનુચિત પ્રવૃત્તિ કરી હોય અને રાજાદિ તેનું ધન હરણ કરે તેને જોઈને કોઈ સાધુને મનમાં પણ સહજભાવ થાય કે આ જીવ માટે આ ઉચિત જ છે અને વચનથી કહે કે આ ક્ષુદ્રનું ધન હરણ કરાયું એ સુંદર થયું તો સાધુને અનુમતિ આદિ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય તેથી સાધુ તેવો વચનપ્રયોગ કરે નહિ.
વળી કોઈ સાધુઓનો શત્રુ હોય અથવા ધર્મીઓનો શત્રુ હોય અને તેના તરફથી સદા ઉપદ્રવ રહેતા હોય અને કોઈક કારણે તેનું મૃત્યુ થાય ત્યારે સાધુ બોલે નહિ કે આ પ્રત્યેનીક મર્યો એ સુંદર થયું; કેમ કે તેમ બોલવાથી તેના મૃત્યુની અનુમોદનાના દોષનો પ્રસંગ આવે.
વળી કોઈ ધનનો અભિમાની હોય અને તેનું ધન કોઈક રીતે નાશ પામ્યું હોય તે જોઈને સાધુ કહે કે ધનના અભિમાનીનું ધન નાશ પામ્યું તે સુંદર થયું તો તેના ધનનાથજન્ય જે તેને પીડા આદિ થાય તે સર્વની અનુમત્યાદિ દોષની પ્રાપ્તિ થાય માટે સાધુ તેવુ બોલે નહિ.
વળી કોઈ સ્વરૂપવાન કન્યા હોય, કદાચ સંયમ લેવામાં તત્પર થઈ હોય અને તેને જોઈને સાધુ કહે નહિ કે આ કન્યા સુંદર છે; કેમ કે તેમ કહેવાથી તેના સુંદર રૂપની જે અંતરંગ પ્રીતિ તે મનની અનુમોદનારૂપ છે અને વચનપ્રયોગ દ્વારા તે પ્રકારે અભિવ્યક્તિ કરવાથી તેના પૌત્રલિકરૂપની વાચિક અનુમોદનાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે અને તે સાંભળીને અન્ય કોઈને પણ તે કન્યા તે સ્વરૂપે જોવામાં ઉપયોગ જાય તો તેના રૂપ પ્રત્યે તેને પણ રાગ થવાનો સંભવ રહે છે, તેથી અન્યને રાગ ઉત્પન્ન કરાવાનું કારણ સાધુનું વચન બને છે માટે સાધુએ કન્યાની સુંદરતા આદિ જોઈને વસ્તુસ્થિતિના પ્રતિપાદન માટે પણ તે પ્રકારનો પ્રયોગ કરવો જોઈએ નહિ.
વળી નિરવદ્ય એવા સુકૃતનાં વચનો બોલે જેથી સુકૃતની અનુમોદના અને સુકૃત કરાવણના નિમિત્તભૂત તેમનાં વચનો બને. જેમ કોઈ ગુણવાનના ગુણોના સ્મરણપૂર્વક ગુણવૃદ્ધિનું કારણ બને તે પ્રકારે વિધિપૂર્વક ઉચિત વૈયાવચ્ચ કરી હોય તે વૈયાવચ્ચને જોઈને સાધુને હર્ષ થાય કે આ મહાત્માને ધન્ય છે કે ઉત્તમ પુરુષોની ભક્તિ કરીને ગુણવૃદ્ધિ કરે છે તેથી તેવા પ્રસંગે તેમની વૈયાવચ્ચરૂ૫ સુકૃતની સાધુ અનુમોદના કરે પરંતુ કોઈ વિવેકરહિત માત્ર બાહ્ય કૃત્યરૂપે વૈયાવચ્ચ કરી હોય અને તે વૈયાવચ્ચ દ્વારા પોતાના અહંકારની જ પ્રવૃતિ પોષી હોય અર્થાત્ હું બધાની વૈયાવચ્ચ કરું છું અને શાસ્ત્રમર્યાદા અનુસાર ઉચિત યતના વગર વૈયાવચ્ચ કરી હોય તેવી વૈયાવચ્ચ સ્થૂલથી વૈયાવચ્ચરૂપે દેખાય છે, પરમાર્થથી કર્મબંધના કારણરૂપ પ્રવૃત્તિ છે તેથી સાવદ્ય છે તેની વિવેકી સાધુ અનુમોદના કરે નહિ.