________________
૧૬૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૫
આવે તો ગુણવાનના ગુણોની ઉપબૃહણા કરવી જોઈએ એ પ્રકારના દર્શનાચારમાં અતિચાર દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય, માટે જેમ ભાવસાધુમાં સાધુપદના કથન દ્વારા નિર્જરાની પ્રાપ્તિ થાય છે તેમ અસાધુમાં સાધુ પદના કથન દ્વારા કર્મબંધની પ્રાપ્તિ થાય છે માટે સાધુવેશને આશ્રયીને આ પ્રયોગ છે તેમ કહીને આ મૃષા નથી તેમ કહેવું ઉચિત નથી.
અહીં કોઈ સ્થાનકવાસી શંકા કરે છે કે આ રીતે બોટિક નિહ્નવાદિમાં સાધુવેશ હોવા છતાં સાધુના ગુણો નહિ હોવાને કારણે સાધુ શબ્દનું અભિધાન જો તમે મૃષા સ્વીકારો તો પાષાણમય પ્રતિમામાં અરિહંતાદિપદગર્ભસ્તુતિ કરવી કેવી રીતે સાર્થક થઈ શકે ? અર્થાત્ જેમ નિર્નવાદિમાં આ સાધુ છે તેમ કહેવું ઉચિત નથી તેમ પાષાણની પ્રતિમામાં આ અરિહંત છે તેમ કહેવું ઉચિત નથી આ પ્રકારની સ્થાનકવાસીની શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
હે પાપી ! તું છિદ્રનું વૃથા અન્વેષણ કરે છે અર્થાત્ ભગવાનના પૂજ્ય એવા સ્થાપનાનિપાને અપૂજ્યબુદ્ધિને કારણે જે તારી પાપની મનોવૃત્તિ છે તેના કારણે પ્રતિમાના લોપને અનુકૂળ તું છિદ્રો શોધે છે, વસ્તુતઃ પદાર્થને જાણવા યત્ન કરતો નથી.
કેમ સ્થાનકવાસીનું આ વચન અસંબદ્ધ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – પાષાણમય પ્રતિમા સ્થળમાં અસંયતના ઉપવૃંહણ દોષનો અભાવ છે તેથી ત્યાં સ્થાપનાસત્યનો અવકાશ છે માટે ભગવાનની સ્તુતિ કરવામાં દોષ નથી, જ્યારે વેશધારી નિર્નવાદિમાં આ સાધુ છે એ પ્રકારે કહેવાથી તેમના અસંયમનું ઉપવૃંહણ થાય છે તેથી અસંયમની ઉપબૃહણાને કારણે સાધુને કર્મબંધની પ્રાપ્તિ થાય છે જ્યારે જિનપ્રતિમામાં અસંયમનો પરિણામ નથી માટે સ્થાપનાસત્ય સ્વીકારીને ભક્તિ કરવાથી ગુણની વૃદ્ધિ જ થાય છે. અને જો સ્થાનકવાસી કહે છે તેમ સ્થાપના સત્યને પૂજ્ય ન સ્વીકારવામાં આવે તો સ્થાપના સત્યના નિક્ષેપાના નૈષ્ફલ્યનો પ્રસંગ આવે. વસ્તુતઃ ભાવનિક્ષેપાના સંબંધવાળા ચારેય નિક્ષેપો પૂજ્ય છે તેથી તીર્થકરની જિનપ્રતિમાને પણ સ્થાપનાનિક્ષેપારૂપે પૂજ્ય સ્વીકારવી જોઈએ.
વળી સાધુ સદોષનું આશંસન હોય તેવું વચન બોલે નહિ. જેમ કોઈના વચ્ચે પરસ્પર ઝગડો ચાલતો હોય કે યુદ્ધ ચાલતું હોય ત્યારે અમુકનો જય થાઓ કે અમુકનો અજય થાઓ એવું વચન સાધુ બોલે નહિ; કેમ કે તે યુદ્ધાદિની પ્રવૃત્તિમાં સાધુનું વચન પ્રેરક બને તેથી અધિકરણરૂપ બને અર્થાત્ અમુકનો જય થાઓ એમ કહેવાથી તે સાધુના વચનથી ઉત્સાહિત થઈને જે કાંઈ આરંભ કરે તેનું પ્રવર્તક સાધુનું વચન બને. વળી કોઈકનો જય થાઓ એ પ્રકારનો અભિલાષ પણ આરંભરૂપ હોવાથી સાધુ માટે ઇચ્છનીય નથી તેથી તેવા અભિલાષથી જન્ય વચનપ્રયોગ સાધુને માટે અત્યંત અનુચિત છે.
વળી અમુકનો જય ન થાઓ તેમ બોલવાથી તેના સ્વામીને સાધુ પ્રત્યે દ્વેષ થાય અને ભગવાનના ધર્મ પ્રત્યે પણ દ્વેષ થાય માટે સાધુ જે દોષવાળી પ્રવૃત્તિ હોય તેમાં આશંસા થાય તેવો વચનપ્રયોગ કરે નહિ.
વળી અતિશય ગરમી હોય ત્યારે પવન થાઓ અથવા વૃષ્ટિ થાઓ એ વચનપ્રયોગ સાધુ કરે નહિ.