________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૪
૧૫૩ વળી કોઈ સાધુ મન-વચન-કાયાની સમ્યફ યતનાપૂર્વક બ્રહ્મગુપ્તિનું પાલન કરતા હોય તેને જોઈને સાધુ કહે કે આ મહાત્માએ બ્રહ્મચર્યને સુંદર પક્વ કર્યું છે તે પ્રકારના નિરવદ્ય સુકૃતની અનુમોદનાથી સુવિશુદ્ધ બ્રહ્મચર્યનો રાગ અતિશયિત થાય છે તેથી તે સુકૃત અનુમોદના પણ મહાનિર્જરાનું કારણ બને છે.
વળી કોઈ સાધુ કોઈને સંસારનાં સ્નેહબંધનોને છોડીને સમ્યફ સંયમમાં આવેલા કોઈ મહાત્મા દેખાય અને પૂર્વનાં સ્નેહબંધનો સુંદર રીતે છેદ્યાં હોય, જેમ સ્થૂલભદ્રને કોશાનો સ્નેહબંધન ઘણો હતો છતાં તે બંધન તોડીને સંયમ ગ્રહણ કર્યું, તે વખતે કોઈ સાધુ તેની પ્રશંસા કરે તો વિવેકપૂર્વકના તે બંધનના ત્યાગ પ્રત્યેનો દઢ પક્ષપાત થવાથી ઘણી નિર્જરાની પ્રાપ્તિ થાય છે માટે તેવું અનુમોદન સાધુ કરે તો મહાનિર્જરાની પ્રાપ્તિ થાય.
વળી કોઈ નવદીક્ષિત સાધુ હોય અને કોઈક ચોરાદિથી ઉપસર્ગનો પ્રસંગ હોય તે વખતે કોઈ વિવેકસંપન્ન સાધુ કે ગૃહસ્થ તે શૈક્ષ સાધુના ઉપકરણને હરણ કરે અર્થાત્ તે શૈક્ષ પાસેથી લઈને દૂર જાય જેથી ઉપસર્ગમાં તેનું રક્ષણ થાય તે વખતે તેના તે કૃત્યની સાધુ અનુમોદના કરે; કેમ કે શૈક્ષના ઉપકરણના હરણ દ્વારા તે શૈક્ષ સાધુનું ઉપદ્રવોથી રક્ષણ થાય છે. માટે સુસાધુ તેવા પ્રસંગે તે ઉચિત સુકૃતની અનુમોદના કરે જેથી યોગ્ય જીવને તે પ્રકારની પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ થાય અને સુસાધુને પણ ઉચિત કૃત્યની અનુમોદનાનો પરિણામ સ્થિર થાય.
વળી કોઈ સુસાધુ શાસ્ત્રવિધિ અનુસાર કષાયોની સંખના કરીને અને શક્તિ અનુસાર જિનવચનાનુસાર કાયાની સંલેખના કરીને અત્યંત શ્રતમાં ઉપયુક્ત થઈને મરણ પામે ત્યારે તે સાધુના પંડિતમરણની પ્રશંસા સાધુ કરે, જે અનુમોદનાથી તેમના મૃત્યુનું અનુમોદન નથી પરંતુ મૃત્યકાળમાં મહાસત્ત્વથી કરાયેલી કાયાની અને કષાયોની સંલેખનાજન્ય ઉત્તમભાવોની અનુમોદના થાય છે જે અનુમોદના પોતાને પણ પંડિતમરણને અનુકૂળ મહાબળના સંચયનું કારણ બને છે.
વળી કોઈ અપ્રમત્ત સાધુ સર્વત્ર અપ્રતિબદ્ધ માનસવાળા થવા અર્થે અત્યંત અપ્રમાદપૂર્વક સર્વક્રિયાઓ કરતા હોય તેને જોઈને સુસાધુ અનુમોદના કરે કે આ મહાત્માએ આ કર્મ સુનિષ્ઠિત કર્યું છે અર્થાત્ તે તે કૃત્યોનું લક્ષ્યને અનુરૂપ પરિણામને પ્રગટ કરી શકે તે પ્રકારે સુઅભ્યસ્ત કર્યું છે. આ પ્રકારની અનુમોદના કરવાથી પોતાને પણ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ અસંગભાવના વીર્યને ઉલ્લસિત કરે એ પ્રકારે સેવવાનો ઉત્સાહ થાય છે તેથી તે પ્રકારની અનુમોદના મહાનિર્જરાનું કારણ છે.
વળી સાધ્વાચારની ઉત્તમ ક્રિયા અસંગભાવની વૃદ્ધિનું કારણ છે તે પ્રકારનો બોધ થવાને કારણે જે મહાત્માને સંયમની સર્વક્રિયાઓ સુંદર જણાય છે તે મહાત્મા સંયમની તે સુંદર ક્રિયાનો તે પ્રકારે બોધ કરાવવા અર્થે કોઈને કહે કે આ સાધુક્રિયા અત્યંત સુંદર છે જેને સેવીને ઘણા મહાત્માઓ સુખપૂર્વક ચારગતિનો અંત કરી શક્યા છે આ પ્રકારે સાધ્વાચારની ક્રિયાની સુંદરતાની ઉપસ્થિતિપૂર્વક કરાયેલી અનુમોદના તેની પ્રાપ્તિમાં પ્રતિબંધક ઘણાં કર્મોના નાશનું કારણ બને છે તેથી સાધુ વારંવાર તે ક્રિયાની અનુમોદના કરે.