________________
૧૨૭
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૮૭
પણ બોલવાની મનોવૃત્તિ ન થાય એ પ્રકારે ભાષાસમિતિનો પરિણામ ઉલ્લસિત રહે.
વળી વ્યવહારથી સત્યભાષા પણ બીજાને ઉપઘાત કરનારી હોય તેવી ભાષા સાધુ બોલે નહિ. જેમ આ કાણો છે તેમ કહેવાથી તેને અપ્રીતિ થાય તેથી તેવી ભાષા સાધુ બોલે નહિ.
વળી કોઈ નપુંસક હોય અને સાધુ જાણતા હોય અને કહે કે આ નપુંસક છે તેથી તેને તે પ્રકારની ચેષ્ટા કરવામાં જે લજ્જા હતી તેનો નાશ થાય છે માટે તેવી ભાષા સાધુ બોલે નહિ.
વળી કોઈ રોગી હોય અને કહે કે આ રોગી છે તે સાંભળીને તેને સ્થિર રોગની બુદ્ધિ થાય છે અર્થાત્ મારામાં અવસ્થિત રોગ છે એ પ્રકારની બુદ્ધિ થાય છે તેથી તેને પીડા ઉત્પન્ન થાય છે માટે તેવી ભાષા સાધુ બોલે નહિ.
વળી કોઈ ચોર હોય અને સાધુ કહે કે આ ચોર છે તો તેને દંડાદિની પ્રાપ્તિરૂપ વિરાધના થવાની સંભાવના રહે માટે તેવી ભાષા સાધુ બોલે નહિ.
વળી કોઈ કુલપુત્રાદિરૂપે પ્રસિદ્ધ હોય અને સાધુ જાણતા હોય કે આ પૂર્વમાં દાસાદિ હતા તોપણ આ દાસ છે ઇત્યાદિ ભાષા બોલે નહિ; કેમ કે તે સાંભળીને કુલપુત્રાદિરૂપે પ્રસિદ્ધને આપઘાત આદિનો પ્રસંગ
પ્રાપ્ત થાય.
વળી સ્ત્રીઓને આશ્રયીને પૂર્વના સંસારના સંબંધનું સ્મરણ કરીને હે માતા ! હે નાની ! ઇત્યાદિ આમંત્રણીભાષા સાધુ બોલે નહિ; કેમ કે એમ બોલવાથી સંસારના સંબંધોનું સ્મરણ થવાથી સંગનો પરિણામ ઉલ્લસિત થાય છે.
વળી સાધુના સંસારકાળમાં કોઈ સ્વામી આદિ હોય અને ઉદ્દેશીને કહે કે હે સ્વામિની ! ઇત્યાદિ પ્રકારે તેને બોલાવીને કહે તો લોકમાં પ્રવચનની ગહ થાય છે. તેથી તેવી ભાષા સાધુ બોલે નહિ.
વળી હે હોલે હે ગોલે ઇત્યાદિ લોકમાં બોલાતી ભાષાથી સાધુ બોલે નહિ; કેમ કે તેને પ્રદ્વેષ થવાનો પ્રસંગ આવે અને પ્રવચનના લાઘવાદિ દોષો થાય માટે સાધુએ કોઈ પ્રયોજન ન હોય તો સ્ત્રીઓ સાથે આલાપ સંલાપ જ કરવો જોઈએ નહિ. કોઈક લાભના પ્રયોજનથી કે સંયમના પ્રયોજન અર્થે યાચનાદિ માટે સ્ત્રી સાથે કંઈક કહેવાનો પ્રસંગ હોય તોપણ સંગ, ગહં, પ્રદ્વેષ વગેરે કોઈ દોષો ન થાય તેવી ઉચિત ભાષાથી જ આલાપ કરવો જોઈએ.
વળી પુરુષને આશ્રયીને કોઈકને કહેવાનો પ્રસંગ હોય ત્યારે પણ હે પિતા ! ઇત્યાદિ સંગના સંબંધોનું સ્મરણ કરીને બોલે નહિ કે અન્યપણ સ્ત્રીને આશ્રયીને બતાવ્યા તેવા પુંલિંગના અભિલાપ દ્વારા કોઈ વચનપ્રયોગથી આમંત્રણીભાષા બોલે નહિ. સંયમવૃદ્ધિનું કારણ ઉપસ્થિત થયું હોય તો સ્ત્રીના કે પુરુષના નામથી જ બોલાવે, નામનું સ્મરણ ન થાય તો ગોત્રના અભિલાપથી બોલાવે પરંતુ વાગ્ગુપ્તિની મર્યાદાનું ઉલ્લંઘન થાય તે પ્રકારે અને ભાષાસમિતિની મ્લાનિ થાય તે પ્રકારે સાધુ ક્યારેય બોલે નહિ. II૮૭ના