________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૫
૧૧૯
વળી તે જ મહાત્મા અસંગભાવને અનુકૂળ અત્યંત ઉપયુક્ત થઈને બોલે તો તે ભાષા ચારિત્રની વિશુદ્ધિ કરનારી બને છે.
વળી ચારિત્રવાળા મહાત્મા પણ ભાષા બોલતી વખતે અચારિત્રના પરિણામની વૃદ્ધિ કરે ત્યારે તે ભાષા સંક્લેશકારી હોવાથી મૃષાભાષા છે.
વળી કોઈ મહાત્મા ભાષા બોલતી વખતે ચારિત્રના પરિણામથી પાત પામે છે તેવી સંક્લેશકારી ભાષા પણ મૃષાભાષા છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જે સાધુ વચનગુપ્તિથી ગુપ્ત હોય અને સંયમના પ્રયોજનથી બોલતા હોય છતાં વચનપ્રયોગકાળમાં કંઈક પ્રમાદ અંશ વર્તતો હોય તેના કારણે ચારિત્રમાં પણ રહેલા તે મહાત્મા સંયમના અધોકંડકમાં જાય છે તે ભાષા સંક્લેશકારી હોવાથી મૃષાભાષા છે. જેમ ચંડરુદ્રાચાર્ય ભગવાનના વચનના પરમાર્થને જાણનારા હતા તેથી જગતના કોઈ પદાર્થો પ્રત્યે અવસ્થિત રાગ કે અવસ્થિત ષ વગરના હતા. તેમનો અવસ્થિત રાગ સમભાવમાં હતો, તેમનો અવસ્થિત ષ અસમભાવ પ્રત્યે હતો અને જગત પ્રત્યે અવસ્થિત ઉપેક્ષા હતી. તેથી ભાવથી ચારિત્રના પરિણામમાં હતા છતાં શિષ્યોની કોઈક પ્રવૃત્તિ જોઈને ઈષત્
જ્વલનાત્મક સંજવલનનો કષાય થાય છે જે અપ્રશસ્ત કષાય છે અને અપ્રશસ્ત કષાયથી જે બોલે છે તે વખતે ચિત્તમાં સંક્લેશ વર્તે છે જેનાથી તેમનો અચારિત્રનો પરિણામ=અસમભાવનો પરિણામ, વધે છે. અર્થાત્ સમભાવના પરિણામને કરીને જે અસંગભાવ પ્રાપ્ત કરેલો તે કંઈક અંશથી ન્યૂન થાય છે તેથી ચારિત્રના અધોકંડકમાં આવે છે અને તે બોલતી વખતે જે ભાષા છે તે પદાર્થની દૃષ્ટિએ યથાર્થ હોય તોપણ ચારિત્રને આશ્રયીને મૃષાભાષા છે.
વળી કોઈ મહાત્મા ચારિત્રના પરિણામમાં અવસ્થિત હોય તેથી તેમનો અવસ્થિત રાગ સમભાવ પ્રત્યેનો છે, અવસ્થિત દ્વેષ અસમભાવ પ્રત્યેનો છે અને અવસ્થિત ઉપેક્ષા આત્માથી ભિન્ન સર્વ બાહ્ય પદાર્થોમાં હોય છે, છતાં કોઈક નિમિત્તને પામીને ભાષા બોલતી વખતે રાગનો પરિણામ કે દ્વેષનો પરિણામ સ્પર્શે કે જેના બળથી તેઓ સંયમના પરિણામથી જ પાત પામે ત્યારે તે બોલાયેલી ભાષા મૃષા બને છે તેથી તે ભાષાના બળથી બાહ્ય કોઈ પદાર્થવિષયક અવસ્થિત રાગના કે દ્વેષના પરિણામવાળા થાય છે, જેથી ગુણસ્થાનકથી પાત થાય છે.
વળી ચારિત્રના પરિણામની વૃદ્ધિ-હાનિને આશ્રયીને બોલનાર મુનિની ભાષા સત્યભાષા કે અસત્યભાષા જ પ્રાપ્ત થાય છે, છતાં તેઓ જે ભાષા બોલે છે તે દ્રવ્યને આશ્રયીને વિચારીએ તો સત્યાદિ ચારેય ભાષામાંથી કોઈપણ ભાષા હોઈ શકે છે. આથી જ પ્રયોજનને વશ મૃષાભાષા બોલવા છતાં પણ સંયમના કંડકોની વૃદ્ધિ કરતા હોય તો ચારિત્રને આશ્રયીને તે ભાષા સત્યભાષા બને છે અને ક્વચિત્ જિનવચનાનુસાર યથાર્થ તત્ત્વની પ્રરૂપણા કરતા હોય છતાં માન કષાય આદિના ઉપયોગથી સંવલિત ભાષા બોલતા હોય ત્યારે સંક્લેશને કરનારી તે ભાષા હોવાને કારણે સત્યભાષા હોવા છતાં પણ ચારિત્રને આશ્રયીને તો મૃષાભાષા જ છે. l૮પા