Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૦
અઢાર પાપસ્થાનક
હણનારાં, રાગદશાને મટાડનારાં એટલે કે રાગદશા આદિ મોહના ભાવોનાં ઘાતક કહ્યાં છે.
પરંતુ અજ્ઞાની જીવો સમ્યજ્ઞાનના અભાવે આવાં આવાં અનેક ધર્મ અનુષ્ઠાનો કે જે મોહના વિકારોનાં નાશક છે તેને જ સેવીને તેનાથી જ સાંસારિક સુખોની લાલસાઓને પોષે છે. “નિધનીયાને દે બહુ ધન, અપુત્રીયાને પુત્રરતન” ઈત્યાદિ સ્વરૂપસૂચક વાક્યોને ઉપાદેયવચન માની લઈને પુત્રની ઈચ્છાએ, ધનની ઈચ્છાએ, આરોગ્યની ઈચ્છાએ, માનપાન અને પ્રતિષ્ઠાની ઈચ્છાએ આ અનુષ્ઠાનોનું અજ્ઞાની અને મોહાલ્વ જીવો સેવન કરે છે. જે અનુષ્ઠાનો મુક્તિ ફળને આપનારાં છે તે જ ધર્માનુષ્ઠાનો વિષયસુખોને આપનારા તરીકે “રાગ દશાના કારણે” જોડે છે. જ્યાં આવા પ્રકારના અજ્ઞાની જીવો છે અને આવું અજ્ઞાન વર્તે છે. ત્યાં તેઓને સમજાવનારા, તેઓની ઉલટી બુદ્ધિનો પ્રતિકાર કરનારા કોણ હોઈ શકે ? અર્થાત્ તેઓને કોઈ સમજાવી શકતું નથી. જે જીવો સાપને દોરડું જ માની લે છે અને પકડવા જાય છે અને પોતાની સમજણને સાચાપણાની મહોર મારે છે તેને કોણ બચાવી શકે ? કોઈ બચાવી શકતું નથી. તે જીવોનું અજ્ઞાન જ તેઓને મારક બને છે.
તેના ઉપર સુંદર એક ઉદાહરણ આપતાં કહે છે કે જે અમૃત છે. સર્વ રોગોનું નાશક છે, સુખદાયી છે, અમર બનાવનાર છે. પરંતુ જેનું પેટ તેવા પ્રકારના કેન્સર આદિ રોગોથી વ્યાપ્ત છે કે
જ્યાં અમૃત પણ વિષપણે જ પરિણામ પામતું હોય, હિતશિક્ષા પણ કષાયોનું જ કારણ બનતી હોય, સદુપદેશ પણ આવેશોનું જ કારણ બનતો હોય ત્યાં આ જીવને કોણ બચાવી શકે ? રાગનાશક ધર્માનુષ્ઠાનોને રાગની વૃદ્ધિમાં જ જે જોડે, આવી અવળી બુદ્ધિ જ આ જીવને સંસારમાં રખડાવનાર છે. માટે હે જીવ! આવી મોહદશાને અને અવળી બુદ્ધિને તું છોડી દે. | ૫ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org