Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૪
અઢાર પાપસ્થાનક
રીતે જ ધર્મક્રિયા કરનારા આ જીવો ત્રીજા માર્ગના ભાખનારા જાણવા. જૈનશાસ્ત્રોમાં ૧ ગીતાર્થ અને ૨ ગીતાર્થ નિશ્રિત એમ બે પ્રકારનો જ માર્ગ છે. કાં તો તમે પોતે જ્ઞાની વૈરાગી આત્માર્થી થઈને વિચરો, અથવા તેવા જ્ઞાની વૈરાગી આત્માર્થી ગુરુજીની નિદ્રામાં વિચરો આ બે જ માર્ગ આરાધક તરીકે કહ્યા છે. જેમકે તમારે ઝવેરાતનો ભારે દાગીનો ખરીદવો છે. તો કાં તો ઝવેરી બનો, અથવા ખરીદીમાં ઝવેરીને સાથે રાખો. આ બે વિના ન છેતરાવાનો ત્રીજો કોઈ માર્ગ નથી, સ્વયં પોતે ઝવેરી ન હોય અને ઝવેરીને (અનુભવીને) જે સાથે ન રાખે તે અવશ્ય છેતરાય જ છે. તેમ અહીં સમજવું.
પોતાને ગીતાર્થ બનવું નથી, અને ગીતાર્થની નિશ્રા એ પરવશતા લાગવાથી પાલવતી નથી. તેઓ અગીતાર્થ હોતા છતા પ્રરૂપક બની જાય છે અને સ્વતંત્ર વિચરે છે તે આ અગીતાર્થ વિહાર નામનો ત્રીજો માર્ગ ચલાવે છે તે જીવો અવશ્ય છેતરાય જ છે. ઘણાં ઘણાં કષ્ટકારી અનુષ્ઠાનો કરે છે પણ માયામૃષાવાદના કારણે નિર્જરા કરવાને બદલે ચીકણાં પાપકર્મો જ બાંધે છે. દંભ માત્રથી રાખેલો આ સાધુનો વેશ પણ નિંદાને પામે છે. લોકો જેમ જેમ વિરુદ્ધાચરણ જાણે છે તેમ તેમ જગતમાં પરોક્ષપણે તેઓની નિંદા જ કરે છે. વેશ સાધુનો હોય અને સાધુતાને ન છાજે તેવું વર્તન અને વાણી આદિ હોય તો નિંદા જ થાય. માટે આવા જીવો વિરાધક જાણવા. ચારિત્ર પાળે તો પણ તે વિરાધક છે. જેમ કે વિનેયરત્નાદિ.
પરંતુ જેનું હૃદય કોમલ છે. વૈરાગ્યથી ભીનું છે, માયા કે મૃષાવાદાદિ દોષો જેમાં નથી. ભગવાનની પાટ ઉપર બેસીને શાસ્ત્રાનુસારિણી શુદ્ધ દેશના જે આપે છે. ધીર-વીર-ગંભીર છે અને કષાયોના વિજેતા છે તે જ સાચા સમતાના સુખને પામે છે. સમભાવ દશાના સુખનો અનુભવ કરનારા આવા જીવો બને છે. તે ૭-૮ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org