Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૯૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ માને જ્યોર ધર્મને સાચો હીરો માને છે. ઝવેરીનો છોકરો સાચા મોતી કે સાચા હીરાને સમજવા (પારખવા) લાગ્યો કે તરત જ કલ્ચર મોતી કે કાચના નંગને ફેંકી દે છે. સાચા હીરાની કણી આગળ ખોટા હીરાની પેટીની પણ કિંમત નથી. જીંદગી વહેતી નદીના પાણી જેવી છે.
જીંદગી વહેતી નદીના પાણી જેવી છે. એક નદી ઉપર એક કુતરો બેઠો હતો ત્યાં ગાય પાણી પીવા આવી એટલે કૂતરો ભસવા લાગ્યો. આથી કોઈ જોનારે કહ્યું, “આ શી સ્થિતિ ! ગંજીનો કુતરો ગાયને ખડ ખાવા ન દે ત્યાં તો તેના માલિકનું લૂણ ખાધું તેથી તેનો હક સાચવે છે પણ આ વહેતા પાણીને પીવા દેવામાં વાંધો શો? ગાયને પાણી પીવા ન દે તેથી વધવાનું નથી કે પીવા દેવાથી ઘટવાનું નથી. પાણી તો ખળખળ કરતું દરિયા તરફ વહી જ રહ્યું છે ! આવી જ રીતે આપણું આયુષ્ય પણ ઘટના પાણી માફક વહી રહ્યું છે. ચાહે તો ધર્મમાં જોડો અગર ન જોડો તો પણ એ તો વહેવાનું છે. ક્ષણે ક્ષણે જીંદગી ઘટવાની છે. ધર્મ કરો કે ન કરો તેથી જીંદગી વધવા ઘટવાની નથી. જીવ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષાદિ તત્ત્વોની માન્યતામાં જુદા જુદા મતો છે, એમાં મતભેદ છે પણ મોતને અંગે (મોત છે એમ માનવામાં) જગતભરમાં બે મત નથી. મરણ નહીં માનનારો કોઈ નાસ્તિક નથી. જીંદગી ફના થવાની છે એ તો સૌ (બધા) એક સરખી રીતે કબૂલે છે. જેમ ઘાટનું પાણી સદુપયોગમાં લ્યો અગર ન લ્યો તો પણ ખારા પાણીમાં ભળીને ખારું થવાનું જ તેમ જીંદગી સાચવીએ તો પણ ફના થવાની છે આ વાત જાણવા છતાં જીવન પ્રત્યે જેટલો પ્યાર થાય છે તેટલો ધર્મ પ્રત્યે થતો નથી કારણ કે હજી આ જીવ પરમાં બીજે પગથિયે આવ્યો નથી. શરીર, કુટુંબ, રિદ્ધિ વિગેરે જીવને છોડે કે જીવ એ તમામને છોડે? વસ્તુતઃ છૂટવાનું છે એમાં ફરક નથી. આયુષ્ય ક્રમે ક્ષય પામે છે. મરવું કોઈને ગમતું નથી. જીવ માત્ર જીવવાની આશા રાખે છે પણ એમ આશા રાખવાથી જીવન મળી જતું નથી. ધક્કો ખાઈને નીકળવા કરતાં રાજીનામું આપવું એ શ્રેષ્ઠ છે.
એક શેઠને વધારે નોકર રાખવા પાલવતા નથી. આ પરિસ્થિતિમાં એક નોકર પોતાની મેળે રાજીનામું આપે છે જ્યારે બીજો નોકર એવો છે કે ધક્કો મારીને કાઢે ત્યારે જ નીકળે. વારૂ ! બીજી દુકાને આ બેમાં કયા નોકરની કિંમત થાય? ધક્કો ખાઈને નીકળેલાની કે માનભેર રાજીનામા પૂર્વક નીકળેલાની? આ રીતિએ આપણે માટે પણ બે રસ્તા છે. કાં તો રાજીનામું દઈ દો, નહીં તો ધક્કો મારીને કાઢવાના જ છે. ધન, માલ, મિલકત કુટુંબાદિના ખાસડાનાં તો દરેક ભવમાં ખાધાં છે, માથાની તાલ સાજી રહી નથી, શ્રી સર્વજ્ઞ વચનરૂપી લાકડીનું આલંબન મળ્યું છે માટે રાજીનામું આપી દેવું એ જ બુદ્ધિમાનોનું કર્તવ્ય છે. હોશિયાર નોકર રાજીનામું આપે તેથી પોતાને માથે આવી પડનાર બોજાથી ડરીને શેઠ તો બુમબરાડા મારે પણ નોકરે શેઠના બુમબરાડા જોવા કે પોતાની હાલત જોવી ? જેનામાં પોતાનો સ્વાર્થ છે તેના રાજીનામાથી કોઈ રાજી નથી. સૌ (દરેક) સામાને ખાસડાં ખાતાં મોકલવામાં રાજી છે. રહેવાનું સ્થિર નથી, કોઈ કોઈને ઘેર ચોંટી રહેલો જ નથી. ચાહે તો ઊભા પગે નીકળો ચાહે તો આડા પગે નીકળો પણ નીકળવાનું ચોક્કસ છે. ઊભા પગે નીકળવાનું એટલે ત્યાગી થવું. એ રીતે નહીં નીકળાય તો અંતે આડા પગે તો નીકળવાનું જ છે.