Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૫૪
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩ મનુષ્યને તાબે નથી, વનસ્પતિ આદી અધમ ચીજ તેની ગુલામીમાં માણસ રહે છે, અરે તેના વડે જ માણસનું જીવન ટકેલું છે, અને આ રીતે અધમ જીવોની ગુલામીમાં રહેનારા માણસને સ્વાતંત્ર્ય લેવું છે ! સ્વતંત્ર કોનાથી થવાનું હોય? અધમ વસ્તુથી ! તેને બદલે આજે શું થાય છે? પુણ્યશાળી જીવોથી, ધર્મથી માબાપથી, બુદ્ધિશાળી જીવોથી, આજે તો સ્વતંત્ર બનવાની વાતો થાય છે !!! મનુષ્ય, પૃથ્વી આદી અધમ સ્થિતિમાં રહેલાથી જ્યારે સ્વતંત્ર બની શકતો નથી ત્યારે તે મનુષ્ય જ મોક્ષે જઈ શકે અને બીજા જીવો મોક્ષે ન જઈ શકે એમ કહેવું તે મિથ્યા છે. મનુષ્ય સિવાય મોક્ષ નથી, અને મનુષ્ય તો પુરેપુરો પરાવલંબી છે તો પછી બધા જીવો મોક્ષે જવાના છે એમ બોલી જ કેમ શકાય ? મૂંગો કહે કે “હું મૂંગો છું!” તો તમે શું કહો? વદતો વ્યાઘાત જ કે કાંઈ બીજું! જો મૂંગો પોતાનું મૂંગાપણું બતાવવાનું પણ કહે કે, “હું મૂંગો છું.” તો ખલાસ !! તે પોતે જુઠો છે એમ તેની બોલી જ સાબિત કરે છે. તે જ પ્રમાણે મનુષ્યનું જીવન પણ એકેન્દ્રીયાદિ વગર રહી શકે નહિ એ સ્પષ્ટ છે, તો પછી સઘળા જીવો મોક્ષે જવાના છે એ વાત ત્યાંને ત્યાં જ જુઠી થાય છે. ભવ્યપણું પારખે કોણ?
જૈન શાસ્ત્ર કહે છે કે કેટલાક જીવો મોક્ષે જવાને લાયક છે, કેટલાક નાલાયક છે. જે લાયક છે તે ભવ્ય છે, નાલાયક છે તે અભવ્ય છે, એ ભવ્યાભવના નિર્ણય વગર ધર્મ કરવો તે આંધળે બહેરું કુટાવા જેવું છે. ત્યારે હવે આગળ વધો; આ જીવે પહેલાં નિર્ણય કરવાનો હતો કે હું ભવ્ય છું કે નહિ. જો હું ભવ્ય હોઉં તો જ્ઞાનાદિક માટે જે ઉદ્યમ કરું તે સફળ થશે, પણ કદાચ હું અભવ્ય હોઉં તો જ્ઞાનાદિક માટે કરેલો ઉદ્યમ નકામો જાય, આ શંકા એની ખસવાની નહિ, માટે જ્યારે પોતાના ભવ્યપણાની ખાતરી થાય ત્યારે જ જીવ ડગલું ભરે ભવ્યપણાનો નિર્ણય થયા વિના જીવ જે ડગલું ભરે તે આંધળે બહેરું કુટાયા જેવું થાય. તમે કબુલ કરો છો કે કયા જીવમાં ભવ્યપણું રહેલું છે અને કયા જીવમાં અભવ્યપણું રહેલ છે; તે માત્ર કેવળી જાણે છે, બીજો નહિ. કેવળી શી રીતે થયા?
ભવ્યાભવ્યપણું એ પારિણામિક ભાવ છે. જીવપણું, અજીવપણું, ભવ્યપણું. એ પણ પારિણામિકભાવ છે. જે જીવને જાણે છે, તે જ માણસ જીવના પારિણામિક ભાવ ભવ્યપણું, અભવ્યપણું વગેરે પણ જાણી શકે છે. જેમ જે માણસ ઘડિયાળને જ જોઈ શકતો નથી, તે ઘડિયાળમાં કેટલા વાગેલા છે તે કહી શકતો નથી. તે જ પ્રમાણે જે જીવ જીવને ઓળખી શકેલો નથી, તે જીવના પારિણામિક ભાવને પણ જાણી શકે જ નહિ એ સ્પષ્ટ છે.
જીવ-શુદ્ધ સ્વરૂપવાળા જીવને કેવળજ્ઞાની સિવાય બીજો કોઈ જાણી શકે નહિ તો પછી જીવના સ્વભાવને પણ બીજો કોણ જાણી શકે? કેવળી તમારા જીવને જુએ, તેમાં રહેલું ભવ્યપણું જુએ અને તમોને કહે કે તમો ભવ્ય છો, તો તમારે જ્ઞાનાદિક માટે ઉદ્યમ કરવો, નહિ તો નહિ; એટલે પરિણામ શું આવશે તેનો ખ્યાલ કરો. કેવળી તમો ભવ્ય જીવ છો એમ ન કહે, ત્યાં સુધી શું તમારે જ્ઞાનાદિક માટે ઉદ્યમ ન કરવો? તમારા જીવને ભવ્ય અભવ્ય જાણી શકનાર કેવળી કેવળી શી રીતે થયા? તો કહેશો કે જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, વૈયાવચ્ચે બધામાં ઉદ્યમ કરવાથી ! તોએ કેવળીઓએ ઉદ્યમ શા આધારે કર્યો ?