________________
શાહ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હ રહે; કુટુંબમાં સતત કલહ રહે, જર, જમીન અને જોરું એટલે કે ધન, જમીન અને પત્નીની બાબતમાં ઝઘડા થતા રહે, દાંપત્યજીવનના પ્રશ્નો આપણને કનડતા રહે. આ બધી જ બાબતોને કારણે આપણા જીવનમાં સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. આ સ્ટ્રેસ માત્ર નકારાત્મક કે હાનિકારક હોય એવું હોતું નથી. સકારાત્મક સ્ટ્રેસ પણ હોય છે તનાવથી ક્યારેક અણધારી સ્થિતિનો સામનો કરવાની ક્ષમતા વધે છે. તનાવભરી પરિસ્થિતિમાં કેટલાકની શક્તિ વધુ ખીલી ઊઠતી હોય છે. ક્રિકેટમાં આપણે જાણીએ છીએ કે મહેન્દ્રસિંહ ધોની આવી તનાવભરી સ્થિતિમાં વધુ સુંદર રીતે ખીલી શકે છે. સ્પર્ધા કે પરીક્ષાના સમયે પણ તનાવ અનુભવવો પડે છે, પણ એ પ્રક્રિયાને કારણે માણસ સતર્ક અને સજાગ રહે છે. આજે આપણે વાત કરવી છે તનાવની નકારાત્મક અસર વિશે. મૅડિકલ સાયન્સ પ્રમાણે તનાવ એટલે શરીરના કોઈ પણ તંત્ર પર પડતો દબાવ. આપણી જીવનશૈલી અને આપણા માનસિક અને સામાજિક વાતાવરણમાં ઊભા થતા પડકારોને ઝીલવા આપણું શરીર અને મન જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે તેને સ્ટ્રેસ અથવા તો તનાવ કહેવામાં આવે છે. આનાથી શરીરમાં કેટલાક રાસાયણિક ફેરફારો થાય છે અને લાંબા સમય સુધી તનાવ રહે તો વારંવાર ગુસ્સો આવે છે, બૂરી આદતોના શિકાર બનવું પડે છે, સ્વભાવ ભુલકણો થઈ જાય છે, વિવેક ગુમાવી બેસે છે અને સમય જતાં દમ, બ્લડપ્રેશર, માથાનો દુખાવો, ચામડીના રોગો, હૃદયરોગ, ડિપ્રેશન, અનિદ્રા, વાઈ જેવા રોગો ઘેરી વળે છે. એક અંદાજ મુજબ વર્તમાન સમયમાં વ્યક્તિને ૬૦ ટકા માનસિક રોગો અને ૪૦ ટકા શારીરિક રોગો થાય છે અને એ માનસિક રોગોમાં ૮૦ ટકા રોગો તો તનાવને લીધે થાય છે. હવે વિચારીએ કે આ તનાવની પરિસ્થિતિનું સર્જન કેમ થાય છે? અને તેના નિવારણમાં ધર્મ કેટલો ઉપયોગી અને અસરકારક બની શકે? કુટુંબમાં કંકાસ, સંપત્તિ માટે ઝઘડા, પરસ્પરના મતભેદ – આ બધાંના મૂળમાં જઈએ તો કયું કારણ છે? તમને આશ્ચર્ય લાગશે પણ હકીકત એ છે કે છેક આગમ ગ્રંથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ તનાવની વાત મળે છે, પરંતુ એમાં તનાવને માટે દુઃખ' શબ્દ પ્રયોજાયો છે. એના કહેવા પ્રમાણે દુઃખ અથવા તો તનાવનું કારણ અવિદ્યા, મોહ, કામના, આસક્તિ અને રાગ-દ્વેષ આદિ છે. (૩૨/૭) જૈન ધર્મગ્રંથોએ પણ રાગ-દ્વેષ અને તનાવને કષાયના મૂળ કારણ કહ્યાં છે.
- ૭૬ -