Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શ્રીમનું મન સંસારમાંથી ઊઠી ગયું હતું. એ ચિત્તમાં સત્સંગની તથા અસંગતાની ઇચ્છા પ્રબળ બનતી જતી હતી. ચિત્ત ઉદાસ હોય એટલે વ્યવહારમાં પ્રવર્તન કરી શકે નહિ. સર્વને શાંતિ ઊપજે એવું વર્તન કરવા જતાં પોતાના ચિત્તમાં ઉપાધિ વેદવાનો પ્રસંગ આવતો, જે શ્રીમદ્ શાંતિથી વેદતા હતા. આ બાબતે સૌભાગ્યભાઈને પત્રમાં તેમણે લખ્યું હતું :
“ઉપાધિને વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઇચ્છા રહ્યા કરે છે, તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે.’’
આવી પરિસ્થિતિમાં શ્રીમદ્ આત્માની સમતા જાળવી રાખી હતી, દેહનું મમત્વ છૂટી ગયું હતું. દેહનો ઉપયોગ માત્ર આત્માર્થે જ જણાતો હતો. તેથી એક પત્રમાં તેમણે લખ્યું હતું કે -
“અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહિ.’’
અનેક મુશ્કેલીઓ વચ્ચે શ્રીમદ્ આત્મવિકાસ સાધ્યો હતો. શ્રીમદ્ લખે છે -
“જેવી દિષ્ટ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે, તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઇચ્છીએ છીએ, જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ, જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ.’’
તેઓ ત્યાગી થવાની ભાવના સાથે સંસારનિભાવ કરતા હતા. શ્રીમદ્વે જ્ઞાનદશા પ્રાપ્ત થઈ હતી, પણ ત્યાગદશાની ખામી હતી. વિ.સ. ૧૯૫૧માં તેમણે પોતાની આત્મદશા કેવી પ્રવર્તતી હતી તે વિશે સૌભાગ્યભાઈને પત્રમાં લખ્યું હતું -
“એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિશેચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે, અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, એમ તજવો બનતો નથી. એ વેદના દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે.’
આ રીતે શ્રીમદ્ આત્મપરિણામ સિવાય સર્વ બીજા પરિણામ વિશે ઉદાસીનપણે વર્તે છે. ભરપૂર પ્રવૃત્તિમાં પણ શ્રીમદ્ અસંગદશા પ્રાપ્ત કરી
શક્યા હતા.
જ્ઞાનધારા-૩
૨૦
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩