Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
'आतमअनुभव रसकथा, प्याला पिया न जाय,
मतवाला तो ढहि परे, निमता परे पचाय.'२९ આત્માનુભવની કથાનો પ્યાલો પીતાં પીતાં મતાગ્રહી લોકો તો ઢળી પડે છે. મહાગ્રહ વગરના નિર્મમવી જ એને પચાવી શકે છે.
આવી સાખીઓ આનંદઘનનાં પદોની વિશેષતા બની ગઈ છે. આનંદઘનની આ પદસૃષ્ટિમાં માનસ-વિહાર કરતાં એક વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ થાય છે. અધ્યાત્મવાણીનું ગાંભીર્ય અને ઊંડાણ, ગહનતા, અવળ વાણીનું વૈચિત્ર્ય અને તેમાં તત્ત્વનિરૂપણ તથા હૃદયને ઢંઢોળતી સ્પર્શિતા એમનાં પદોમાં જોવા મળે છે. એને પામવા માટે જૈન પરિભાષાનું જ્ઞાન, આત્મસાધનાનો અનુભવ, યોગનો અભ્યાસ અને જીવનની સમભાવશીલતા મહત્ત્વની બની રહે છે. આત્મસાધક યોગીને પોતાની સાધનાના બળે અમૃતત્વની પ્રાપ્તિની પ્રતીતિ થઈ હોય તેવા એમના શબ્દોમાં આત્મવિશ્વાસ, સ્વાભિમાન, પુરુષાર્થ અને મસ્તી જોવા મળે છે.
એમનાં સ્તવનોમાં એમણે આધ્યાત્મિક વિકાસ માટેની ક્રમિક પ્રક્રિયા દર્શાવી છે, જ્યારે એમનાં પદોમાં ભિન્ન ભિન્ન સમયે ભીતરમાં થયેલા અનુભવોને એમણે કાવ્યસ્થ કર્યા છે. કવિના પદના સહજ પ્રવાહનું કારણ એ છે કે જે હૃદયસ્થ છે, એ જ પદસ્થ બને છે. ક્યાંય કોઈ વાદ, કોઈ વિચાર કે કોઈ સંપ્રદાયની ટેકણલાકડીનો ઉપયોગ કરતા નથી. અમુક દર્શનની સર્વોપરિતાનો આગ્રહ સેવતા નથી અને તેથી અધ્યાત્મના સમગ્ર આકાશને જોનારા આનંદઘન પાસેથી આત્માઓળખ, આત્માનુભવ અને આત્મસાક્ષાત્કાર માટેની પદસરિતા મળે છે. કશાય વળગણ વિનાની આ કવિતાનો આધાર છે સ્વાનુભૂતિ અને એનું અંતિમ છે સ્વાનુભૂતિનું પ્રગટીકરણ. આથી આ વાણીમાં આત્માનુભવનો તેજસ્વી રણકાર છે. જાતઅનુભવે પ્રાપ્ત કરેલી ખુમારી છે, યોગસાધનાને અંતે પ્રાપ્ત થયેલો આનંદ છે અને આત્મસ્પર્શી સંયમસાધનાને કારણે આ અધ્યાત્મસભર પદો ભાવકને એક ભિન્ન લોકનો અનુભવ કરાવે છે. લોકકંઠે જીવતાં આ પદોએ કેટલાય માનવીઓને મોહ-કષાયની નિદ્રામાંથી કંકાની ચોટ સાથે જગાડીને અને સાચો માર્ગ બતાવી અનુભવલાલીના આશક બનાવ્યા છે. આનંદઘન આત્મવિચારણા કરીને આત્માનુભવનું રસપાન પામી, આત્માનંદની અવિચળ કળા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ આલેખે છે. (જ્ઞાનધારા-૩ ૪૮ ન્ન જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]