Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
એમનાં પદોમાં પણ જિનભક્તિનો પ્રવાહ વહે છે અને એમનાં સ્તવનોમાં પણ પદોનો ઊર્મિઉછાળ છે. પ્રણયની પરિભાષા તો આપણે બાવીસમાં શ્રી નેમિનાથ જિનસ્તવનમાં પણ જોઈ શકીએ છીએ. આ ઉપરથી આપણે એટલું જ તારણ કાઢી શકીએ કે મુખ્યત્વે એમનાં મોટા ભાગનાં પદો એમના પૂર્વજીવનમાં અને સ્તવનો ઉત્તરકાળમાં રચાયાં હશે.
આનંદઘનજીનાં પદો “આનંદઘન બહોંતરી' તરીકે જાણીતાં છે. આ નામ પરથી એમ લાગે છે કે આનંદઘનજીએ ૭૨ પદ લખ્યાં હશે. પરંતુ જેમ આનંદઘનજીએ બાવીસ સ્તવનો લખ્યાં છે, છતાં એ “આનંદઘન ચોવીસી' તરીકે ઓળખાય છે, એ જ રીતે “આનંદઘન બહોંતરી” નામ પણ પાછળથી આપવામાં આવ્યું હોય એ બનવાજોગ છે. હસ્તપ્રતોમાં મળતાં પદો જુદી જુદી સંખ્યા ધરાવે છે, પરંતુ આ પદોમાં અન્ય કવિઓનાં પદો અને કોઈ અજ્ઞાત કવિએ આનંદઘનને નામે ચડાવી દીધેલાં પદો પણ મળે છે.
આનંદઘનને નામે લગભગ ૧૨૧ પદો જોવા મળે છે. આમાં ક્યું પદ કોનું છે તેને માટે પ્રાચીન હસ્તપ્રતોનું સંશોધન કરીને નક્કી કરવાનું કાર્ય થયું નથી. “આનંદઘન ગ્રંથાવલી'માં ઉમરાવચંદ જરગડ અને મહતાબચંદ ખારેડે આવાં પદો જુદાં તારવવા પ્રયાસ કર્યો છે. એમણે આનંદઘનનાં હોય તેવાં તોંતેર પદ જુદાં તારવ્યાં છે; જોકે પ્રાચીન હસ્તપ્રતોને આધારે એનું સંશોધન કરવાનું કામ તેઓએ કર્યું નથી. આમ, બીજા મધ્યકાલીન કવિઓની માફક આનંદઘનનાં પદોમાં પણ અન્ય કવિઓની રચનાઓનું મિશ્રણ થયેલું છે. ખરું જોતાં એ જમાનાના બધા જ લોકપ્રિય કવિઓની કૃતિઓનું આમ બન્યું છે. પરંતુ સ્તવનોના મુકાબલે પદોમાં કવિત્વશક્તિ, રસિક્તા અને દૃષ્ટિની વ્યાપકતા જોવા મળે છે.
સંદર્ભ ગ્રંથો ૧. શ્રી આનંદઘનજીનાં પદો : લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા ૨. શ્રી આનંદઘન એક અધ્યયન : લે. ડૉ. કુમારપાળ દેસાઈ
:
રે
-
-
(જ્ઞાનધારા-૩ =
જ્ઞાનધારા - ૩
પર
# જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
| સાહિત્ય જ્ઞાનસત્ર-૩