Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સ્તવનોમાં ગુજરાતી ભાષાનો વધુ સ્પર્શ છે, પરંતુ પદો જેવું ભાષાસામર્થ્ય તેમાં જોવા મળતું નથી.”
આનંદઘનજીનાં પદોમાં કોઈ અનુક્રમ જોવા મળતો નથી. દરેક પ્રતિમાં પદો જુદો જુદો ક્રમ ધરાવે છે. શ્રી મોતીચંદ કાપડિયા પદોની ક્રમબદ્ધતાના અભાવને પણ એક પ્રમાણ તરીકે ટાંકે છે. પરંતુ તે બહુ બંધબેસતું નથી, કારણ કે આનંદઘનના હાથે લખાયેલી પદની કોઈ પ્રતિ હજી સુધી ઉપલબ્ધ થઈ નથી. આથી પછીના સમયમાં જે રીતે જેને જેટલાં પદ કંઠે રહ્યાં એટલાં લખ્યાં. વળી પદસંગ્રહની વિવિધ હસ્તપ્રતોમાં તો અન્ય પદરચનાકારોની રચનાની સાથોસાથ આનંદઘનની થોડીક રચનાઓ પણ જોવા મળે છે. આથી વિશેષ પ્રચલિત અથવા તો થોડાંક ચૂંટેલાં પદો જ બીજાં પદોની સાથે સામેલ કર્યા હોય તેમ પણ બન્યું છે. વળી આ પદોમાં અન્ય કર્તાઓનાં પદો પણ આનંદઘનને નામે ચઢી જતાં એની કોઈ ક્રમબદ્ધતા રહી નથી, પ્રત્યેક તીર્થકરના નામોલ્લેખ સાથે રચાયેલાં સ્તવનોમાં આવી ક્રમબદ્ધતા જળવાઈ હોય તે સ્વાભાવિક છે.
ભાષાદષ્ટિએ વિચારીએ તો આનંદઘનનો જન્મપ્રદેશ રાજસ્થાન છે. પોતાની માતૃભાષા પર સાહજિક રીતે જ વ્યક્તિ પ્રભુત્વ ધરાવતી હોય છે. જ્યારે અન્ય ભાષાસ્વરૂપમાં પોતાની રચના કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એની માતૃભાષા એમાં ડોકિયાં કર્યા વિના રહેતી નથી. આનંદઘનનાં પદો રાજસ્થાની ભાષામાં લખેલાં છે, પણ એમનાં સ્તવનો ગુજરાતી ભાષાનો વિશેષ સ્પર્શ ધરાવે છે. આ સ્તવનોની ભાષામાં પાયારૂપ ભાષા તો રાજસ્થાની રહેલી છે, એ તો લિંગવ્યત્યય, ‘ણકાર અને “ડકારનો ઉપયોગ તેમ જ “ઓ'કારના પ્રયોગથી દેખાઈ આવે છે. આનંદઘને પોતાની માતૃભાષામાં કાવ્યરચના કરવાનો પ્રારંભ કર્યો હોય અને એ રીતે પ્રથમ પદો રચાયાં હોય એ સંભવિત છે. એ પછી એમણે ગુજરાત-સૌરાષ્ટ્રમાં વિહાર કર્યો, એને પરિણામે એમની ભાષામાં ગુજરાતીનો પાસ બેઠો હોય તેમ અનુમાન થઈ શકે.
યોગી આનંદઘનનાં મોટા ભાગનાં પદો જીવનના પૂર્વકાળમાં રચાયેલાં હોય અને સ્તવનો ઉત્તરકાળમાં રચાયેલાં હોય એમ માનવામાં બાધ આવતો નથી. પદો પૂરેપૂરાં લખ્યાં તે પછી જ સ્તવનો રચ્યાં હશે એમ આત્યંતિક વિધાન પણ ન કરી શકાય, ક્યારેક સ્તવનો લખતાં વચ્ચે કોઈ અનુભૂતિનો ઉછાળ આવી જતાં કોઈક નાનકડું પદ પણ રચાઈ ગયું હોય. આનંદઘનની સ્તવનો અને પદોમાં પ્રગટતી પ્રતિભાને સાવ નોખી પાડવી શક્ય નથી. (જ્ઞાનધારા -૩
૫૧ - જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)