Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ક્ષેત્રની બહાર જવા પર પ્રતિબંધ અને બંધન તથા દંડો ઉગામવા સુધીની દંડનીતિનો વિસ્તાર થયો હતો.
સમાજજીવન સુચારુ રીતે ચાલે અને રાજ્યકારભાર વ્યવસ્થિત ચાલે, ગુનાઓનું સામ્રાજ્ય ન છવાઈ જાય માટે માનવીઓએ કાયદા ઘડ્યા. દરેક વ્યક્તિને ન્યાય મળે અને ગુનેગારોને સજા મળે, તેથી ન્યાયાધીશ અને ન્યાયાલય દ્વારા ન્યાયતંત્રની રચના કરી.
કાયદાની કલમ દ્વારા અપરાધીને ગુનેગાર ઠરાવી સજા કરાવી શકાય. આ સજા થવાના અને સમાજમાંથી પ્રતિષ્ઠા જવાના ડરે કેટલીક વ્યક્તિઓ ગુના આચરતી અટકી જાય છે. એવા ઉમદા હેતુથી ન્યાયતંત્રની પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
પ્રાચીન ભારતમાં ન્યાયતંત્ર પર લોકોને પૂર્ણ વિશ્વાસ હતો. કાઝી, રાજાઓ તે રાજાઓએ નીમેલા ન્યાયાધીશો ઝડપી અને યોગ્ય ન્યાય પ્રજાને આપતા. કેટલાક ન્યાયપ્રિય રાજાઓએ ગુનેગાર જણાતા પોતાના પુત્ર કે પરિવારજનોને પણ આકરી સજાઓ કરી અને પ્રજાને ન્યાય આપ્યો છે, તેવા અસંખ્ય પ્રસંગો ભારતના ઇતિહાસમાંથી આપણને મળશે.
સાંપ્રત સમાજજીવન સંકુલ અને વિષમ બની ગયું છે. અપરાધ અને આતંકની દુનિયાનો બેહૂદો વિસ્તાર થયો છે. ગુનાખોરીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
કાયદા એટલા બધા વધી ગયા છે કે દરેક પવૃત્તિ અને સમગ્ર જીવનનું જાણે કાયદા દ્વારા નિયમન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
નીચલી અદાલતથી માંડીને સર્વોચ્ચ અદાલત અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયો સુધી વિશ્વમાં ન્યાયતંત્રનો વિસ્તાર થયો છે. કોર્ટ, વકીલ અને કાયદાની કલમોના જંગલમાં અથડાતા-કુટાતા માનવી માટે ન્યાય મેળવવો ખર્ચાળ અને વિલંબિત બની ગયો છે.
જૈનદર્શનના કર્મવિજ્ઞાનના સંદર્ભે દંડનીતિ સમજવી માનવજીવન માટે કલ્યાણકારક છે. દાર્શનિક કર્મવિજ્ઞાનના મતે, સમાજ અને રાજ્યના સ્તરે કાઝી, મુખી, ન્યાયનું પંચ, લોકઅદાલત કે સરકારનું ન્યાયતંત્ર લોકોને ન્યાય અપાવવા કાર્યરત છે. તેમ એક વિશ્વવ્યાપી અદ્ભુત સ્વયંસંચાલિત કર્મની કોર્ટ છે. આપણી તમામ કોર્ટમાં હજી કૉમ્પ્યુટર આવ્યા નથી, પરંતુ કર્મની કોર્ટ ક્ષતિરહિત સુપર કૉમ્પ્યુટરથી સ્વયં સંચાલિત, વાયરસ કે સદી પરિવર્તનના ભય વિના અનાદિથી ચાલી રહી છે અને અનંત ચાલશે.
જ્ઞાનધારા - ૩
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
૧૧૮