Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
નાખવાની સફળતાનો યશ તો ધર્મને ફાળે જ જાય છે એ સતત યાદ રાખજો. આ અવળચંડી પેઢીની સાથે બાથ ભીડવી એ નાનુંસૂનું કાર્ય નથી. પણ સાધુ હોય, તે હૈયાના સરળ હોય અને સરળ હોય તે જ સાધુ. અને તેવા જ સાધુ આ પેઢીને તારી શકશે, ઉગારી શકશે. સંતદર્શન પ્રગટાવે સમ્યગુદર્શન, છોડાવે જગતનું બધુંય પ્રદર્શન, સંતદર્શન પ્રગટાવે કેવળજ્ઞાન ને દર્શન, પલકમાં રવાના થાય જીવનું મિથ્યાદર્શન.
આપણા સંતની વર્તમાનભૂમિકા આજે આવી થવી જોઈએ. આ પેઢીને સમજાવવાનું છે કે ધર્મક્ષેત્રમાં આવવા માટે આગમના પુસ્તકનું જ્ઞાન નહિ હોય તો ચાલશે, પણ જરૂર છે તારા આગમનની. આગમન હશે તો આવાગમન થશે અને તો ધર્માનુગમન આવ્યા વિના નહિ રહે અને તેમાં જો ભાવ મેળવવાનું કાર્ય ગુરુ વખતે વખતે કરતાં રહેશે તો ધર્મની રૂપરેખા બદલશે જ બદલશે.
યુવાપેઢીના અજ્ઞાનને અને અહંકારને એવી રીતે હથોડા મારીને દૂર કરવાના છે કે એનો માર એના શરીરને નહિ આત્માને વાગે અને ક્યારે એ દીવાલ તૂટી જાય, તેની તેને ખબર પણ ના પડે. ગુરુ, એક એવો સેતુ છે, પુલ છે, બ્રિજ છે, જે યુવાનીના ઉંબરે ઊભેલા માસુમોને મોક્ષની સીડી દેખાડી શકે છે. તેના હૃદયબાગમાં ઊગેલા ખોટી માન્યતાઓના બાવળને દૂર કરી, વહાલપના ગુલાબ વાવી શકે છે. તેને મહાવીરના શાસનનો વારસદાર બનાવવાની ભૂમિકા માત્ર... માત્ર... માત્ર... ગુરુ જ સર્જી શકે છે. જેમ, રૂપરેખાના પ્રથમ તબક્કામાં માતા-પિતાનો અભાવ દેખાય છે, તેમ આ બીજા તબક્કામાં ગુરુનો પણ અભાવ દેખાય છે. ઘણા સાધુ-સંત સમય સાથે બદલાતા નથી અને તેનું ફળ ભોગવવું પડે છે આ યુવાનોને. હું એમ નથી કહેતી કે ધર્મને બદલો, પણ જો સમય પ્રમાણે થોડાક બદલશો તો ધર્મને યથાવત્ રાખી શકશો. કારણ પ્રભુએ જ આ પાંચમા આરાને દૂષમ બતાવ્યો છે. જે સમય પ્રમાણે ફેરફાર કરવાની શક્યતાઓ પણ કીધેલ છે. જો સમજીને આમ કરવામાં આવશે તો સદીઓની સદીઓ સુધી આપણા ધર્મને ઊની આંચ પણ નહિ આવે.
જે ધર્મમાર્ગે વીર બને છે તેના ૫૦ ટકા દુઃખ તો વીરતાના ગુણને લીધે આપણી પાસે આવતાં જ નથી અને બાકીનાં દુઃખ, દુઃખરૂપે લાગતાં જ નથી.
જ્ઞાનધારા - ૩
-
-
-
-
--
૧૩૧
| સાહિત્ય જ્ઞાનસત્ર- ૩