Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈનદર્શન અને વિજ્ઞાનના સંદર્ભે વિશ્વના સ્વરૂપની તુલનાત્મક સમીક્ષા
૩૪
ડૉ. જવાહર પી. શાહ એમ.એચસી., એમ.એ., એમ.ફિલ. જૈનોલોજી વિષય પર, પુદ્ગલ પર પીએચ.ડી. કરેલ છે. ગૂજરાત વિધાપીઠ- અમદાવાદમાં પ્રાધ્યાપક, જૈન ધર્મના અભ્યાસી, સંપાદનકાર્યમાં રત.
પાંચ અસ્તિકાયોમાં જીવ અને પુદ્ગલ સક્રિય અને ગતિશીલ છે અને અનેક વ્યક્તિસ્વરૂપ છે. જીવ અમૂર્ત છે જ્યારે પુદ્ગલ મૂર્ત છે. બાકીના ત્રણ અમૂર્ત - Abstract છે. તેમને દળ કે Mass હોતું નથી. જૈન તત્ત્વમીમાંસામાં સક્રિય દ્રવ્યો-જીવ અને પુદ્ગલને ગતિશીલ બનવામાં સહાયક એવું દ્રવ્ય - ધર્માસ્તિકાય છે. તે અભૌતિક, આકાશ અને કાળ જેવું અમૂર્ત (Noncorporial) છે. તેમાં પુદ્ગલ જેવી પરમાણિવયતા (Atomicity) નથી. એવું જ બીજું દ્રવ્ય અધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને સ્થિતિ કરવામાં સહાયક છે. ધર્મ અને અધર્મ નામનાં આ બે દ્રવ્યો લોકાકાશમાં રહેલાં છે - અવસ્થિત છે. અલોકાકાશમાં તેનું અસ્તિત્વ નથી. બંને દ્રવ્યો એકબીજાનાં વિરોધી દ્રવ્યો નથી, ફક્ત ધર્મદ્રવ્યનું જ અસ્તિત્વ હોત તો વસ્તુઓ સતત ગતિમાન જ રહેત અને અરાજકતા (Chaos) સર્જાત. જો અધર્મદ્રવ્ય જ હોત તો વસ્તુઓ ફક્ત સ્થિતિની દશામાં (Paralytic state) જ રહેત. બંને દ્રવ્યોની હાજરી વૈશ્વિક સંતુલન (Cosmic equilibrium) નિર્માણ કરે છે. આમ આ બે દ્રવ્યો વિરોધી નથી પણ તેનાં કાર્યો વિરોધી છે. આ કાર્યો (Functions) તેઓ નિષ્ક્રિય રહીને બજાવે છે, પરંતુ તેઓ કોઈ પ્રકારની વ્યવસ્થિતતા (Orderlyness) પેદા કરતા નથી. આમ તેઓ વિશ્વવ્યવસ્થામાં પરોક્ષ રહીને પોતાનું યોગદાન આપે છે.
આકાશાસ્તિકાય બીજાં બધાં દ્રવ્યોને અવગાહન-સ્થાન આપે છે. તે ન હોત તો બાકીનાં દ્રવ્યો પણ ન હોત. પુદ્ગલનું દૃશ્યમય જગત પણ ન હોત. તે નક્કર દ્રવ્ય નથી, પણ ખાલી સ્થાન (Void) છે. તે સર્વવ્યાપી, અખંડ, અનંત પ્રદેશાત્મક છે, પરંતુ ભાવાત્મક છે, અસત્ કે અભાવાત્મક નથી. તેના બે ભાગ છે : (i) લોકાકાશ અને (ii) અલોકાકાશ. બધાં દ્રવ્યોને રહેવાનું સ્થાન લોકાકાશમાં જ સીમિત છે. અલોકાકાશને કોઈ સીમા નથી અને તેમાં આકાશ સિવાય કોઈ દ્રવ્યનું અસ્તિત્વ નથી. આકાશ
જ્ઞાનધારા-૩
-
૨૦૨
------ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
▬▬▬▬▬ ▬▬▬▬▬