Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આમ આકાશ અને કાળને સ્વતંત્ર, નિષ્ક્રિય રાશિ માનવાની જગ્યાએ આધુનિક વિજ્ઞાન તેને પરસ્પર ગાઢ રીતે સંકળાયેલ રાશિઓ માને છે અને સાથે પુદ્ગલને પણ અસરકારક અને સક્રિય રીતે સંકળાયેલ તત્ત્વ તરીકે જુએ છે. આમ જૈનદર્શનમાં આકાશ, કાળ અને પુદ્ગલ એ ત્રણેયનું જે સ્વતંત્ર અસ્તિત્વ માનવામાં આવે છે, તેનો અહીં સ્પષ્ટ નિષેધ સૂચવવામાં આવેલ છે. જોકે દિગંબર જૈન ગ્રંથોમાં આકાશ અને કાળને એકબીજા સાથે સંપૂર્ણ સંકળાયેલાં બતાવ્યા છે. દિગંબર જૈનાચાર્ય શ્રી નેમિચંદ્ર તેમના ગ્રંથ ‘દ્રવ્યસંગ્રહ'માં દર્શાવે છે કે “લોકાકાશના જેટલા આકાશપ્રદેશ છે તેટલા જ કાળના અણુઓ છે. લોકાકાશના એકેક આકાશપ્રદેશ ઉપર એકેક કાલાણુ રહેલ છે.”
પુદ્ગલ દ્રવ્ય(Matter)ના જે ગુણધર્મો આધુનિક ભૌતિકશાસ્ત્રમાં વર્ણવેલા છે, તે બધા ગુણો જૈન સિદ્ધાંતાનુસારી છે. બંનેના પરમાણુવિષયક ખ્યાલો (Concepts) પણ સમાન છે. વ્યાખ્યાઓ પણ ઘણી સમાનતા ધરાવે છે. વ્યાખ્યાઓનું અર્થઘટન ક્યારેક જુદું પડે છે. જૈનદર્શનમાં પ્રકાશને પણ પૌદ્ગલિક કહ્યો છે અને તેને પણ ગુરુત્વાકર્ષણના નિયમો લાગુ પડે છે. ભૌતિક વિજ્ઞાન તેને તરંગસ્વરૂપે અપૌદ્ગલિક માને છે. આમ તારાના પ્રકાશ વિષયક વળાંક કે Deviationની ઘટનાને સમજાવવા આકાશને આઇન્સ્ટાઈન વક્ર માને છે, તેની જગ્યાએ પૌદ્ગલિક કિરણોનું વક્રપણું જૈનદર્શનમાં સ્વીકાર્ય બને છે. આકાશ પૌદ્ગલિક નહિ અપૌદ્ગલિક હોવાથી ગુરુત્વાકર્ષણનું બળ તેને સ્પર્શતું નથી. આ પ્રકારનું નિરૂપણ જૈન-સિદ્ધાંત માન્ય બની શકે અને પ્રયોગનું પરિણામ તેના વડે સમજાવી શકાય.
ભૌતિક શાસ્ત્રમાં દ્રવ્યના અવિભાજ્ય સૂક્ષ્મતમ અંશને પરમાણુ (Atom) કહેવામાં આવે છે. પરંતુ જે પરમાણુ છે તેનું ઇલેક્ટ્રોન, પ્રોટોન છે અને ન્યૂટ્રોન, ક્વાર્ક વગેરે Sub atomic કણોમાં વિભાજન શક્ય છે, માટે તેને વાસ્તવિક પરમાણુ કહી શકાય નહિ. જૈનદર્શનમાં અનંત પરમાણુના સમૂહના મુખ્ય આઠ પ્રકાર દર્શાવ્યા છે : (૧) ઔદારિક વર્ગણા (૨) વૈક્રિય વર્ગણા (૩) આહારક વર્ગણા. (૪) તેજસ વર્ગણા (૫) ભાષા વર્ગણા (૬) શ્વાસોચ્છ્વાસ વર્ગણા (૭) મનો વર્ગણા (૮) કાર્મણ વર્ગણા. આ વર્ગણાઓ ઉત્તરોત્તર વધુ ને વધુ સૂક્ષ્મ છે. આધુનિક ભૌતિકવિજ્ઞાન આ વર્ગણાઓમાંની પ્રથમ ઔદારિક વર્ગણા સુધી પહોંચી
ઃ
જ્ઞાનધારા - ૩
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
૨૦૫
-A