Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આત્મા બાહ્યદૃષ્ટિ ત્યાગી જેમ જેમ આંતરદૃષ્ટિ કરે તેમ તેમ કર્મોનો રસ ઘટે છે. કર્મોનો ક્ષયોપશમ થાય છે. કર્મો શાંત - ઉપશાંત થાય છે. અને જેવું અરિહંતોનું સ્વરૂપ છે તેવું આત્મસ્વરૂપ ચિંતવે ત્યારે ઉપયોગ અરિહંતાદિમય બને છે. આવી સાધના કરતા જીવ જ્યારે આત્મતત્ત્વને પામે છે ત્યારે પરમ આનંદની અનુભૂતિ થાય છે. પરંતુ આ આનંદ પણ ચિરસ્થાયી નથી. કારણ કર્મો હજુ મૂળમાંથી ગયાં નથી. માટે ઉપયોગને મમતાના ભાવમાં ન જવા દેવા માટે પાછો જીવને અજાગ્રત દશા ન આવે તે માટે એકાંત - મૌન - ધ્યાન-સ્થિરાસન દ્વારા અસંગ દશાને કેળવવાનું કહે છે.
પૂ. આનંદઘનજી મહારાજ જ્ઞાન અને અજ્ઞાનના ભેદ સમજાવે છે “રાત્રે અંધકાર હોય છે. પ્રભાતમાં સૂર્યનાં કિરણો આવતાં એ અંધકાર દૂર થઈ પ્રકાશ પ્રગટે છે, એવી જ રીતે આત્માની મોહાંધતારૂપ અજ્ઞાનદશા દૂર થતા જ્ઞાનદશા પ્રગટે છે અને આત્માનું સ્વરૂપ સમજાય છે.
1
मेरे घर ग्यान भोर भानु भयो मेरे चेतन चकवा चकवी भागो विरह को सोर ..... ।।
આત્માનું અજ્ઞાન દૂર થઈ જ્ઞાનપ્રકાશ થતા પ્રતીતિ થાય છે કે હું નામરૂપ અને દેહદારી નહિ પણ ત્રિકાલ શુદ્ધ પરમાત્મરૂપ છું. અધ્યાત્મનો પહેલો પાયો હું પરમાત્મા છું તેનો નિર્ણય કરી અનુભવ કરો અને જીવમાત્રને પરમાત્મા તરીકે જુઓ. જેવા ભાવો પ્રભુ પ્રત્યે કરો, બધા જીવો પ્રત્યે તેવું બહુમાન, અહોભાવ અને સન્માનની લાગણી કેળવો. દરેક જીવમાં પરમાત્મપણું અપ્રગટ રીતે રહેલું છે, તેથી જ જીવ શિવ કહેવાય છે. એટલે જ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવમાત્રમાં મૌલિક તત્ત્વ પરમાત્મપણું જુઓ. તેનાથી કોઈ પ્રત્યે દુર્ભાવ ન આવે અને સમતા સિદ્ધ થાય. અશુભ ભાવો નીકળી જાય અને શુભ ભાવો સહજ બને. જીવનનું ક્રમિક ઉત્થાન એટલે અશુભમાંથી શુભમાં આવવું અને શુભમાંથી શુદ્ધ ભાવમાં આવવું, કારણ આત્મભાવ એ શુદ્ધ ભાવ છે.
પૂ. આનંદઘનજી મહારાજ કહે છે : “સંસારમાં પ્રાણીઓ બહિરાત્મભાવમાં મૂંઝાયા છે. આત્માની વિષયકષાય પ્રત્યેની રાગદશા એ બહિરાત્મભાવ છે. સંસારનાં સુખોમાં સુખબુદ્ધિ અને મોહમાયામાં ફસાયેલું વિશ્વ બહિરાત્મા દશા છે અને મોહવશ જીવો અજ્ઞાનવશ વર્તી ધર્મને પણ સંસારનું કારણ બનાવે છે. ધર્મ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવા માટે છે. બહિરાત્મ દશામાં વર્તતાં પ્રાણીઓ પરમાત્માને બહાર શોધવા પ્રયત્ન કરે છે; પણ પરમાત્માની પ્રાપ્તિ ધ્યાનમાં છે. તેમાં ઉપયોગ સૂક્ષ્મ કરી અંદર વાળવાનો જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
જ્ઞાનધારા - ૩
૫૮