Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સ્વદેહ પ્રત્યેનો રાગ અને અન્ય આત્મા પ્રત્યેનો દ્વેષ ઓછો ક૨વાનો છે અને આત્મામાં સ્થિર કરવાનો છે. એનું લક્ષ્ય તો આત્માને દેહમાંથી અલગ કરીને આત્મભાવનામાં સ્થિર કરવાનું છે. રેચક, પૂરક, કુંભક આદિ ક્રિયાઓ દ્વારા મનઇન્દ્રિયનો જય કરીને આત્મતત્ત્વનો પ્રાથમિક અનુભવ પામવાનો છે અને પછી તેમાં સ્થિરતાં કરવાની છે. આનંદઘનનાં પદોમાં તન મઠમાં સૂતેલા આત્માને જાગ્રત કરવાની વાત છે. એમને છઠ્ઠા પદમાં તો સમગ્ર યોગપ્રક્રિયાનું નિરૂપણ કર્યું છે. જ્યારે અન્યત્ર તેઓ કહે છે 'अवधू क्या सोवे तन मठ में, जाग विलोकन घट में, तन मठ की परतीत न कीजें, ढहि परे एक पल में, हलचल मेटि खबर ले घट की, चिह्न रमतां जल में. १६
આનંદઘનજીની આવી જ યોગમસ્ત દશાનું વર્ણન એમના ‘અવધૂ સો જોગી ગુરુ મેરા' પદમાં થાય છે. અહીં એ વૃક્ષની વાત કરે છે. આ એક એવું વૃક્ષ છે કે જેને મૂળ કે છાયા નથી, ડાળી કે પાંદડાં નથી, વગર ફૂલે એના પર ફળ બેઠાં છે અને એનું અમરફળ આકાશને લાગીને રહેલું છે. આનો અર્થ એ કે આ વૃક્ષ એ ચેતન છે, એ અનાદિ છે. એ મૂળિયામાંથી પ્રગટેલું વૃક્ષ નથી. એ તો પોતે જાતે સ્વયં ખીલેલું છે. વધુમાં કવિ કહે છે કે “એ વૃક્ષ પર બે પંખી બેઠાં છે. એક છે ગુરુ અને બીજો છે ચેલો. ચેલો દુનિયા આખીને વીણી વીણીને ખાય છે અને ગુરુ આખો વખત ખેલ ખેલી રહ્યા છે.' આત્મરાજ નામના તરુવર પર સુમતિ અને કુમતિ બે પંખીઓ બેઠાં છે. સુમતિ આત્મહિત થાય તેવા માર્ગે પ્રવૃત્તિ કરે છે અને ગુરુસ્થાને રહી અંતરના ખેલ ખેલ્યા કરે છે, જ્યારે શિષ્ય કુમતિ સંસારરસિક છે અને તે જગતના ભાવોને ચણી ચણીને ખાય છે. કલ્પનાવૈભવની પરાકાષ્ઠા તો કવિની આ વિરહ કલ્પનામાં છે. એ કહે છે
'गगन मंडल में गउआ विहानी, धरती दूध जमाया,
माखन था सो विरला पाया, छो जग भरमाया. '૬૮
આકાશમંડળની વચ્ચે ગાય વિયાણી છે, એનું દૂધ પૃથ્વી પર જમાવવામાં આવ્યું છે. એ દૂધનું માખણ થોડાકને પ્રાપ્ત થયું, બાકી જગતનો મોટો ભાગ તો છાશથી છેતરાઈ રહ્યો અને તેમાં રાજી રાજી થઈ ગયો. જગતના મોટા ભાગના લોકો તો વિષય-કષાયના ભોગમાં જ આનંદ સમજતા હોય છે.
જ્ઞાનધારા - ૩
---
૪૧
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩