________________
ભૂમિકા ૧૩
જામનગરના સંત કવિ હમીર કુંભાર હતા. લખમો ભગત માળી હતો.
આ પૈકી કેટલાંકનાં મરમી ભજનો “સોરઠી સંતવાણી' અને “પુરાતન જ્યોત'માં સંઘરાયાં છે. આવાં બીજાં પણ ઉદાહરણો ટાંકી શકાય.
ખોજા, મતિયા અને વોરા જેવા મુસ્લિમ સંપ્રદાયોએ પોતાની ધાર્મિક કવિતા ગુજરાતીમાં લખી છે. ખોજાપંથી પદસાહિત્યમાં ‘દશાવતાર', “મોમણ ચેતાવણ', ઈમામવાળાના પ્રછા' વગેરે ભજનસાગરો છે; એની આંતરસામગ્રીમાં કબીર-નાનક જેવો અદ્વૈતવાદનો પાસ જણાય છે.
આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં પારસીઓએ સંસ્કૃતમાં લખ્યું છે તેમ ગુજરાતીમાં પણ લખ્યું છે. પારસી ધર્મગ્રન્થોના ગુજરાતી ગદ્યાનુવાદો વિષે અગાઉ ઉલ્લેખ કર્યો છે. પણ સત્તરમા શતકમાં સુરતના મોબેદ રુસ્તમ પેશોતને પહેલી વાર ગુજરાતી પદ્યમાં ‘જરથોસ્ત-નામેહ', શ્યાવક્ષ-નામેહ', અને “અવિરાફ-નામેહ' એ સુદીર્ઘ ચરિત્રો આખ્યાનરૂપે આપે છે. સંભવતઃ સોળમા સૈકામાં થયેલા રામ નામે પારસી કવિ તથા સત્તરમા સૈકામાં થયેલા બરજોર ફરદુન તથા નવસારી નિવાસી નોશેરવાન જમશેદ એ પારસી કવિઓ ઉલ્લેખયોગ્ય છે. સત્તરમા શતકના પારસી કવિઓનું ગુજરાતી કવિતાને પ્રદાન એટલું ગણનાપાત્ર છે કે એ વિષે પરિનબહેન કાપડિયાપેરિન ડ્રાઈવર)એ એક મહાનિબંધ તૈયાર કર્યો છે. ગુજરાતી સાહિત્યસેવાની પારસીઓની આ પરંપરા અર્વાચીન યુગ સુધી સતત ચાલુ રહેલી છે.
ઈસવીસનના બારમા શતકના આરંભમાં આચાર્ય હેમચન્દ્રકૃત અપભ્રંશ વ્યાકરણના રચનાકાળ આસપાસ ગુજરાતી ભાષા-સાહિત્યનો આરંભ ગણીએ તો, એ કાળથી માંડી ઈસવીસનના ઓગણીસમા શતકના ઉત્તરાર્ધમાં(૧૮૫૩માં) અવસાન પામેલા કવિ દયારામના સમય સુધી એટલે કે લગભગ સાડાસાતસો વર્ષ સુધી પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતીનો સાહિત્યસ્રોત વિપુલ અને અવિચ્છિન્ન રીતે વહેતો રહ્યો છે. એમાં હિન્દુઓ, જેનો, મુસ્લિમો અને પારસીઓની રચનાઓ છે; ભાષાને ખીલવનાર અને તેને વિકાસકોટિએ આગળ લઈ જનાર નરસિંહ, મીરાં, ભાલણ, પ્રેમાનંદ, શામળ, રાજે, દયારામ આદિની કૃતિઓ છે; ભાષાની અભિવ્યક્તિને કસોટીએ ચડાવનાર અને તેની શકિતઓને સવિશેષ સૂક્ષ્મતા અર્પનાર અખો, કૃષ્ણજી, વસ્તો, યશોવિજય આદિનાં કવિતામાં તત્ત્વજ્ઞાન ગૂંથતાં કાવ્યો છે, કેટલાક વિશિષ્ટ અને આકર્ષક પ્રકારો ધરાવતું વિપુલ ગદ્ય તથા વૈવિધ્યભર્યું શક્તિશાળી પદ્ય છે; સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં જે ઉત્તમ અને ઉપયોગી જણાયું તે બધું ગુજરાતીમાં ઉતારવાનો ભારે પુરુષાર્થ એમાં છે. તે ઉપરાંત એ પ્રાચીન વારસા સાથે ગુજરાત અને ગુજરાતીની આગવી વિશેષતાઓનો સુમેળ સાધતી પણ પુષ્કળ રચનાઓ છે.