________________
૧૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧
સંબંધી મરાઠો હતો.
સંત પ્રણાલીમાં ઉચ્ચ-નીચના કોઈ ભેદ નહોતા; એનું પ્રધાન લક્ષ્ય તો એ ભેદો નિવારી એક ઈશ્વરને ભજવાનું હતું. પંદરમા સૈકામાં ઉત્તર ભારતમાં સ્વામી રામાનંદના શિષ્યમંડળમાં કબીર વણકર, રોહિદાસ ચમાર, સદના ખાટકી, સેના વાળંદ, ધના જાટ, પીપાજી રાજપૂત અને નરહરિ બ્રાહ્મણ હતા. એ જ પરિસ્થિતિ આપણા અભ્યાસવિષય કાલખંડમાં ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતના કબીરપંથી સંતકવિઓમાં ભાણદાસ અથવા ભાણસાહેબ લોહાણા હતા. એમના ગુરુ આંબા છઠ્ઠા નામે નિરક્ષર ભરવાડ હતા, જેમનાં ભજનો ઝવેરચંદ મેઘાણીએ “સોરઠી સંતવાણીમાં પ્રગટ કર્યા છે. ભાણદાસના પુત્ર ખીમદાસ અથવા ખીમસાહેબ. ભાણસાહેબના એક શિષ્ય રવિસાહેબ એમના સંસ્પર્શમાં આવ્યા પહેલાં રવજી નામે વ્યાજખોર વણિક હતા; ભાણસાહેબે એનો જીવનપલટો કર્યો હતો. રવિસાહેબના એક રાજપૂત શિષ્ય થરાદના ઠાકોર માનસિંહજી તે મોરાર સાહેબ, જેમણે જીવતાં સમાધિ લીધી કહેવાય છે. લીંબડીના સંત કવિ મીઠા ઢાઢી મુસલમાન હતા, જેમણે રવિસાહેબને પણ અમુક પ્રસંગે ઉપદેશ કર્યો હતો. રવિ-ભાણ સંપ્રદાયે મસ્ત ભજનોનું વિપુલ સાહિત્ય સર્યું છે, જેમાંનું કેટલુંક “રવિ-ભાણ સંપ્રદાયની વાણી એ નામથી પ્રગટ થયું છે. એ સંપ્રદાયના ભજનિક કવિઓમાંના એક ત્રિકમદાસ ગરોડા અથવા ત્રિકમસાહેબ હરિજન બ્રાહ્મણ હતા અને હોથી સુમરો મુસલમાન હતા. કાજી મહમદશાહનાં ભજનો આજે પણ સૌરાષ્ટ્રમાં ગવાતાં સંભળાય છે. બહુસંખ્ય ભાવવિભોર પદો રચનાર સંત જીવણદાસ અથવા દાસી જીવણ ગોંડળ પાસે ઘોઘવદરના ચમાર હતા.
સૌરાષ્ટ્રના લોકસમાજની ભજનિક પરંપરા ઉપર મારવાડના ક્ષત્રિય રાજકુમાર રામદેવજી અથવા રામદે પીરે પ્રવર્તાવેલા મહામાર્ગ અથવા નિજારની પણ ઊંડી અસર છે. સૌરાષ્ટ્રના વિખ્યાત સંત અને ભજનિક કવિ દેવીદાસ જેમણે પોતાનું જીવન રક્તપતિયાંની સેવામાં ગાળ્યું હતું તેઓ રબારી હતા, જ્યારે એમનાં શિષ્યા અમરાબાઈ આયર અને બીજા શિષ્ય શાદુળ ભગત કાઠી હતા. શાદુળ ભગત અથવા શાદલપીરની શિષ્યા માંગલબાઈ નામે કાઠિયાણી હતી. રાજકીય ઉત્પાતો અને દુષ્કાળમાં અનાથ બનેલાં બાળકોના આશ્રય માટે મોરબી પાસે વવાણિયામાં ધર્મસ્થાન સ્થાપનાર સંત રામબાઈ, જેઓ ભજનોમાં પોતાને “રામુ' તરીકે ઓળખાવે છે તેઓ આહીર હતા. રામદેવજીના પટ્ટશિષ્ય હરજી ભાટીના શિષ્ય શેલણશોનાં ચેલી લોયણ લુહાર જ્ઞાતિનાં હતાં. એમણે પોતાના એકવારના મિત્ર લાખાને ઉદ્દેશી વાયક' કહ્યાં છે. ગંગાબાઈ અથવા “ગંગાસતીએ પચાસેક પદો પોતાના પુત્ર અજોભાની પત્ની-પુત્રવધૂ પાનબાઈને સંબોધેલાં છે. ગંગાબાઈ ગોહીલ રાજપૂત હતાં.