________________
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
ભાલણકૃત ‘દશમસ્કંધ’, પ્રેમાનંદકૃત ‘મામેરું', ગિરધરકૃત ‘રામાયણ’, ‘કુત્બુદ્દીનની વારતા', પારસી કવિ રૂસ્તમ પેશોતનકૃત ‘અવિરાફનામેહ'' વગેરે કૃતિઓ મળે છે. સાહિત્ય સાથે ચિત્રકળા કેવો તાલ મેળવે છે તે આવી સચિત્ર હસ્તપ્રતોમાંથી જણાય છે. દશાવતારનાં, રાગરાગિણીનાં અને ભોગાસનોનાં ચિત્રોના સંપુટો તથા અનેકવિધ કલાત્મક ગંજીપા મળે છે. શિહોરના રાજમહેલનાં, વડોદરામાં તાંબેકરના વાડાનાં અને સૌરાષ્ટ્રમાં પાડરશિંગાનાં ભીત્તિચિત્રો અને ગ્રન્થસ્થ ચિત્રો વચ્ચેનો ભેદ એટલો જ કે ભીત્તિચિત્રોનું ભૌતિક લક સ્વાભાવિક રીતે જ વિશાળ છે, જ્યારે ગ્રંથસ્થ ચિત્રોને હસ્તપ્રતોના માપની સંકુચિત મર્યાદા સ્વીકારવી પડી છે. ચિત્રકલાનો વિષય ગમે તે હોય, પણ એમાં જીવનની અભિવ્યકિત છે. મધ્યકાલીન ગુજરાતના વિપુલ ચિત્રિત સાહિત્યને મૃત્યુની પયગંબરી કરતું શી રીતે ગણી શકાય?
‘રણમલ્લછંદ’ કે ‘કાન્હડદેપ્રબંધ' જેવા થોડાક અપવાદો બાદ કરતાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને રાજ્યાશ્રય નહોતો. ચિત્રકલાને અને ચિત્રિત સાહિત્યને ધનિકાશ્રય હતો ખરો, પણ એકંદરે એ સાહિત્ય સામાન્ય સમાજમાં ઉદ્ભવેલું, વિકસેલું અને વિસ્તરેલું હતું. આથી તે સમયે વ્રજભાષામાં, ચારણી સાહિત્યમાં કે રાજસ્થાની– ડિંગળ આદિમાં રચાયા છે તેવા કાવ્યશાસ્ત્ર, કોશ, છંદઅલંકારાદિ કે નાયિકાભેદના ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં નથી. નરસિંહ, ભાલણ, અખો, શામળ, બ્રહ્માનંદ, પ્રીતમ, દયારામ આદિ અનેકોએ વ્રજભાષામાં ઘણું લખ્યું છે તથા ગુજરાતી કવિઓએ વ્રજભાષામાં કરેલા પ્રદાન વિશે એક કરતાં વધુ મહાનિબંધો લખાયા છે. સંસ્કૃત, પ્રાકૃત, વ્રજ અને ગુજરાતી સાહિત્યરચનાની ધારા ગુજરાતમાં લગભગ એક સાથે વહેલી છે. સંસ્કૃત અને વ્રજનું સ્થાન અભ્યાસીઓની રુચિને ઘડનાર અને એમને કાવ્યરચના અને વિદ્યાવ્યાસંગની તાલીમ આપનાર પ્રકૃષ્ટ સાહિત્ય-ભાષાઓ તરીકે હતું. પરંતુ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય તો સમાજની રગેરગમાં વ્યાપેલાં હતાં; સાહિત્યકૃતિઓ બહુધા વાંચવા માટે નહિ, પણ સાંભળવા કે ગાવા માટે હતી એ વસ્તુ વિશિષ્ટ કૃતિઓના બહોળા પ્રચાર માટેનું એક નિમિત્ત કારણ હતી. ગુજરાતી કાવ્યોને લેખબદ્ધ કરવાં એ મુખ્ય નહિ પણ આનુષંગિક બાબત હતી. આપણા મુખ્ય શિષ્ટ કવિઓનાં કાવ્યો, પ્રેમાનંદાદિનાં આખ્યાનો તથા અનેક જ્ઞાતનામા અને અજ્ઞાતનામા કવિઓનાં પદો લોકમુખે સર્વવ્યાપક હતાં અને હજી છે. આપણા પદસાહિત્યનો મોટો ભાગ અલ્પાંશે જ લિપિબદ્ધ થયો હતો અને સંતવાણી તો લોકમુખે જ સંક્રમણ પામતી રહી હતી. સંતવાણીનું વાહન ગુજરાતી લોકબોલી અને ખડીબોલીના મિશ્રણ જેવી ‘સાધુબોલી’ છે અને સાધુઓની જેમ તે પણ સતત પરિવજન કરતી રહી છે.
૧૦