________________
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
ખ્યાલ પ્રવર્તે છે, પણ જૂના સાહિત્યની શોધ થતી જાય છે તેમ તેમ એ ખ્યાલ બદલાતો જાય છે. ચૌદમા સૈકાથી માંડી જૂની ગુજરાતીમાં ગદ્યસાહિત્ય મળે છે અને એનું વૈપુલ્ય ઉત્તરોત્તર વધતું જાય છે. અર્વાચીન કાળમાં ગદ્ય ઘણાબધા સાહિત્યપ્રકારોનું વાહન બન્યું છે એવું જોકે એ સમયમાં નહોતું. ગદ્યનું પ્રયોગક્ષેત્ર સીમિત હતું, તો પણ એ સીમિત ક્ષેત્રમાંયે ગદ્યનાં થોડાંક અલગ અલગ રૂપો મળે છે. સંસ્કૃત કે પ્રાકૃત કે વ્રજભાષાના ગ્રંથોના કે કવચિત્ પારસી ધર્મગ્રંથોના અનુવાદ કે ટીકારૂપ બાલાવબોધો અને ટબાઓ; અક્ષરના રૂપના માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં પદ્યમાં લેવાતી બધી છૂટ ભોગવતા પ્રાસયુક્ત ગદ્ય ‘બોલી’માં રચાયેલ ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ અને ‘સભાશૃંગાર’ જેવા વર્ણકસંગ્રહો; અજ્ઞાતકર્તૃક ‘કાલકાચાર્ય કથા' જેવી, કચિત્ અલંકારપ્રચુર અને કવચિત્ સહેલા રસળતા ગદ્યમાં રચાયેલી કથાઓ અને ‘કાદંબરી કથાનક' જેવા કથાસંક્ષેપો; દર્શનિક ચર્ચાઓ, વાદવિવાદો, અને પ્રશ્નોત્તરીઓ; ઔક્તિક’ તરીકે ઓળખાતા, ગુજરાતી દ્વારા સંસ્કૃત શીખવા માટેના સંખ્યાબંધ વ્યાકરણગ્રંથો (એમાં નાનકડો ગુજરાતી-સંસ્કૃત શબ્દકોશ પણ હોય છે) –જેમાં સંગ્રામસિંહકૃત ‘બાલશિક્ષા' અને કુલમંડનગણિકૃત ‘મુગ્ધાવબોધ ઔક્તિક' જેવાં ભાષાના ઇતિહાસનાં સીમાચિહ્નોનો સમાવેશ થાય છે— સ્વામિનારાયણનાં ‘વચનામૃતો'નું પ્રવચનશૈલીનું વિશદ અને પ્રવાહી ગદ્ય : એ જૂના ગુજરાતી ગદ્યસાહિત્યનાં પ્રાપ્ત વિવિધ રૂપો છે. અત્યારે ઉપલબ્ધ થતું જૂનું ગદ્ય એટલું વિપુલ છે કે એનું પ્રકાશન કરવામાં આવે તો ‘બૃહત્કાવ્યદોહન’ના સુપ્રસિદ્ધ ગ્રંથો જેવા ઓછામાં ઓછા સો ગ્રંથો તો સહેજે ભરાય. જોકે જુદા જુદા પ્રાચીન ગ્રંથભંડારો અને સંગ્રહોમાં જે ગદ્યસાહિત્ય મારા જોવામાં આવ્યું છે તે વિચારતાં લાગે છે કે આ વિધાનમાં સંભવ અત્યુક્તિનો નહિ પણ અલ્પોક્તિનો છે.
મધ્યકાળનું સાહિત્ય બહુધા ધર્મપ્રધાન કે ધર્મમૂલક છે. સૌથી વિષમ સમયમાંયે સમાજશ૨ી૨માં ધર્મની નાડીમાં ચેતન હોઈ સાહિત્યનું તે અગત્યનું પ્રેરક બળ હતું. એટલે સાહિત્યમાં ધર્મની પ્રધાનતા હોય એ સ્વાભાવિક છે. પણ એક પ્રેમાનંદના પૂજ્ય અપવાદ સિવાય’ બધું મધ્યકાલીન સાહિત્ય કેવળ ધર્મરંગ્યું કે મૃત્યુની પયગંબરી ક૨ના૨ હતું એમ કહેવું વાસ્તવિક હકીકતોથી વેગળું છે. જીવનરસ-પ્રેમ અને વિરહ, શૌર્ય અને પરાક્રમ, હર્ષ અને શોક-નું ગાન કોઈ પણ સમાજમાં અને કોઈ પણ પ્રજાના સાહિત્યમાં ન હોય એ બને જ શી રીતે ? વસંતવિલાસ' અને એ પ્રકારના અન્ય ફાગુઓ, વૃત્તબદ્ધ શૃંગારકાવ્યો-માધવકૃત ‘રૂપસુન્દર કથા’ અને અજ્ઞાતકર્તૃક ‘ફુલાંચરિત્ર’, નર્બુદાચાર્યકૃત ‘કોકશાસ્ત્ર ચતુષ્પદી' તથા કામશાસ્ત્રવિષયક ગદ્યપદ્યાત્મક કૃતિઓ, ‘બિલ્હણપંચાશિકા’ના ગદ્યમાં અને પદ્યમાં અનુવાદો તથા
८