________________
ધર્મબિંદુપ્રકરણ
અહીં કેટલાએક આચાર્યો એમ માને છે કે-આ. હરિભદ્રસૂરિએ મંત્રના બળે બૌદ્ધોને ખેંચી લાવી કઢાઇમાં હોમ્યા હતા.
આ તરફ આ. જિનભટ્ટ આ ઘટનાની જાણ થતાં આ. હરિભદ્રને શાંત કરવા માટે તેમની પાસે બે શિષ્યોને સમરાદિત્યના વૃત્તાંતની ૩ ગાથાઓ આપી મોકલ્યા. આ૦ હરિભદ્રસૂરિ પણ તેને વાંચી વિચારતાં પરમ શાંતભાવને પામ્યા. ગુરુએ મને જગાડ્યો છે એમ સમજી વિહાર કરી ચિત્તોડમાં ગુરુ પાસે આવી પહોંચ્યા, અને વિરતિપણામાં ભૂલ કરી છે તેનું પ્રાયશ્ચિત્ત લઇ શુદ્ધ થયા. પરંતુ તે શિષ્યવિરહને ભૂલી શકતા ન હતા.
એક વાર અંબિકાદેવીએ આવી આચાર્યશ્રીને મીઠાં વચનોથી વિનંતિ કરી કે, સૂરિવર ! તમે મહાન ત્યાગી છો. તમને વિરહ શાનો હોય ? તમે સમર્થ જ્ઞાની છો, કર્મસ્વરૂપના જાણનાર છો, તમને મારું-તારું શાને હોય ? હંસ પરમહંસ તો ગયા, પરંતુ અંતરાયના કારણે તમને બીજો શિષ્ય પરિવાર થવાનો નથી. તો કૃપા કરીને ગુરુની સેવા કરો અને શાસ્ત્રો બનાવો કે જે વડે જીવોનું કલ્યાણ થાય. આ. હરિભદ્રસૂરિએ અંબિકાદેવીની વિનંતિથી શોક મૂકીને ૧૪૦૦ ગ્રંથોની રચના કરી.
એવામાં કાર્યાસિક નામનો વ્યાપારી ત્યાં આવ્યો. તે નિર્ધન હતો. આચાર્યશ્રીએ તેને ધૂર્યાખ્યાન કહી સંભળાવ્યું અને શ્રદ્ધાળુ જૈન બનાવ્યો. તેણે એક વ્યાપાર ખેડ્યો, જેમાં તેને ગુરુની કૃપાથી પુષ્કળ ધન મળ્યું. એટલે તેણે આ. હરિભદ્રસૂરિના ગ્રંથોને લખાવ્યા અને સાધુઓને વહોરાવ્યા. આ. હરિભદ્રસૂરિએ ગ્રંથો બનાવ્યા, એકજ સ્થાને ૮૪ મોટાં દેરાસર કરાવ્યાં, તથા જીર્ણ થયેલ અને ખવાઈ ગયેલ મહાનિશીથ સૂત્રને બરાબર ગોઠવી પુસ્તકારૂઢ કર્યું.
(પ્રભાવક ચરિત્ર-પ્રબંધ ૯મો) આ. ભદ્રેશ્વરસૂરિએ આ. હરિભદ્રસૂરિનું ચરિત્ર વર્ણવ્યું છે. તેમાં જે વિશેષતા છે તે ટૂંકમાં નીચે પ્રમાણે છે.
આ0 હરિભદ્રસૂરિ પિર્વગુડ નામની બ્રહ્મપુરીના વતની હતા. તેમના પિતાનું નામ શંકર ભટ્ટ અને માતાનું નામ ગંગા હતું. હરિભદ્ર પુરોહિતે યાકિની સાધ્વી પાસે ચક્કીદુર્ગ0 ગાથા સાંભળી, તે જ સાધ્વીજીની સાથે આ૦ જિનદત્તસૂરિ પાસે જઈ તેમના મુખેથી અર્થ સાંભળ્યો, ધર્મ સાંભળ્યો. નિષ્કામવૃત્તિવાળાને ધર્મનું ફળ મોક્ષ છે. એમ જાણ્યું અને ભવવિરહ માટે તેઓની પાસે દીક્ષા લીધી. ગુરુએ તેમને શાસ્ત્ર જણાવી સૂરિપદ આપ્યું અને પોતાની પાટે સ્થાપ્યા.