Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૩૪
આરાધનામાં સિદ્ધચક્રપૂજન શરૂ થયું. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, ઉપમિતિ, ત્રિશષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર, સિરિ સિરિવાલ કહા, શ્રીપાળ રાસ, ચાર પ્રકરણ આદિનું વાંચન ચાલુ હતું. વારંવાર એકાદ મહિને પૂ. ગુરુમહારાજનો મેળાપ થતો.
સાધક :- વાસનાઓ વારંવાર સતાવે છે, સદ્ગુણ જીવનમાં આવતા નથી. આત્મદર્શનની ઘણી ઝંખના છે. યોગ્ય માર્ગ જાણવા જિજ્ઞાસા છે.
પૂ. ગુરુમહારાજ:- પ્રભુની કરુણાના ઘણા રૂપો છે. કોઈ વખત અમૃતના ફુવારા તુલ્ય હોય છે, તો કોઈ વખત પાપને બાળવા માટે અગ્નિરૂપ હોય છે, કોઈ વખત ગુણોના વરસાદ રૂપ હોય છે, તો કોઈ વખત આત્મદર્શનના પ્રકાશરૂપ પણ હોય છે. પરમાત્માની કરુણા વિશિષ્ટ પ્રસંગોએ વિશિષ્ટ રૂપમાં ઉપયોગી હોય છે. પરમાત્મા સર્વ દોષથી મુકત છે, ગુણપ્રકર્ષવાન છે, સ્વ રૂપ અવસ્થિત છે, જ્ઞાનાદિ અનંત ગુણથી પૂર્ણ છે અને આત્મદર્શન (આત્માનાઅનુભવ) ના પરમ નિમિત્ત છે. તેમજ ધ્યાન કરવા માત્રથી પાપનો ક્ષય કરનારા છે.
"वीतरागोऽप्यसौ देवो, ध्यायमानो मुमुक्षुभिः । स्वर्गापवर्गफलदः शक्तिस्तस्य हि तादशी ॥"
પરમાત્મા વીતરાગ હોવા છતાં મુમુક્ષુ વડે જ્યારે તેમનું ધ્યાન કરાય છે, ત્યારે તે સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ) રૂપી ફળને આપે છે. કેમકે તેમની તેવા પ્રકારની નિશ્ચિત શકિત છે.
વાસના (પાપો)ના ક્ષય માટે, જીવનમાં સદ્ગુણ લાવવા માટે અને આત્મદર્શન માટે પ્રભુની કરુણાનો વિશિષ્ટ પ્રયોગ કરવો.
દુષ્ટ વૃત્તિઓ. મલીન વાસનાઓ, પાપ વૃત્તિઓનો નાશ કરવા માટે પરમાત્માની કરુણારૂપ અગ્નિમાં આ બધી મલીન વૃત્તિઓને બળતી જોવી. જીવનમાં સદ્દગુણો લાવવા માટે પરમાત્માના ગુણ- ગંગાજળમાં સ્નાન કરવું અને ગુણોથી આપણે ભરાઈ રહ્યા છીએ તેવો સંકલ્પ કરવો. આત્મદર્શન માટે પરમાત્માના દિવ્ય પ્રકાશનું આલંબન લઈ, તે દિવ્ય પ્રકાશમાં પરમાત્માના જેવા-સત્તાએ આપણામાં રહેલા આત્મ સ્વરૂપનું દર્શન કરવું. આ માટે વિશિષ્ટ સાધના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org