________________
શ્રાવક જીવન : ભાગ ૪ તમે લોકોની સમાજની અવગણના ન કરી શકો. કદાચ તમે ગુસ્સામાં બોલી નાખો કે “મારે દુનિયા સાથે શું લેવા-દેવા ? મને કોઈની ય પરવા નથી. લોકોને વિશ્વાસ હોય કે ન હોય, મારે શું નિસ્બત ?" પરંતુ સંસાર-વ્યવહારમાં અન્ય લોકોનો વિશ્વાસ સંપાદન કર્યા વગર ચાલતું નથી. હા, અવિશ્વાસની કાલિમાથી કલંકિત જીવન જીવનારા માણસો તમે જોયા હશે. તમે એમના જીવનના ઊંડાણમાં જોશો તો અશાન્તિ, ક્લેશ અને સંતાપ સિવાય બીજું કશું જોવા મળશે નહીં. હા, જો તમને એવું જીવન પસંદ હોય તો ચાલ્યા કરો માયાના રસ્તા ઉપર ! પરંતુ ધ્યાન રાખજો, અશાન્તિની આગમાં સળગતા રહેશો.
તમે તમારા પારિવારિક જીવનમાં, પરિવારના સભ્યો સાથે, માયા-કપટની જાળા બિછાવશો અને તેમને તમારી આ માયા-જાળની ખબર પડી જશે તો તમે તમારા જ પરિવારનો વિશ્વાસ ખોઈ બેસશો, પત્ની, પુત્ર, પુત્રી તમામ સ્વજનો તમારા પ્રત્યે શંકાની નજરે જોતા થશે. પરિવારમાં પ્રેમ-સ્નેહની ઓટ આવી જશે. અને તમારો જ પરિવાર તમારા પ્રત્યે નફરત કરશે.
માયાનાં આ તમામ પરિણામોનો વિચાર કરવાનો છે. સમાજની સાથે તમે દગાબાજી કરી, વેપાર અને ધાર્મિક સંસ્થાઓના હિસાબ-કિતાબમાં ગોલમાલ કરી અને તમારી દગાબાજીનો પડદો ઊંચકાયો તો તમે સમાજની નજરમાં દગાખોર, મકાર' બની જશો. હજારો લોકોની આંખો તમારા ઉપર નફરત વરસાવશે. હજારો જીવાઓ ગાળો બોલશે. કદાચ તમારે માટે ઘરમાંથી બહાર નીકળવું ભારે થઈ પડશે.
માયાવી ગૃહસ્થ હોય કે માયાવી સાધુ હોય, કોઈ પણ હોય, માયાનું આવરણ સૌના મનમાં માત્ર અશાન્તિ જ ઉત્પન્ન કરે છે. અશાંત માણસ ધર્મની મંગલમયી આરાધના સાચા સ્વરૂપમાં નથી કરી શકતો. મનુષ્ય પોતાના પાપોને ઢાંકવા માટે ભલે માયાનો સહારો લે, પરંતુ તેનું પાપાચરણ તેના આત્માને અસ્થિર, ચંચળ અને અશાંત જ બનાવશે, એટલું જ નહીં માયાવીના માથા ઉપર આપત્તિઓ ઝળુંબી રહે છે. તે ક્યારે કઈ આપત્તિમાં ફસાઈ જાય તે કહી શકાય નહીં.
આટલી ભયાનક માયાને કોઈ બુદ્ધિશાળી માનવી કેવી રીતે પોતાના જીવનમાં સ્થાન આપી શકે ? કોણ માયાનો સહારો લેશે ? તમે લોકો તો બુદ્ધિશાળી છો ને? પ્રજ્ઞાવંત છો ને ? તો માયા ન કરવી. માયા છોડી દેવી. લોભના કરુણ વિપાકઃ
હવે લોભના દારુણ વિપાકો બતાવું છું. એકાગ્રતાથી સાંભળજો. સ્થિર ચિત્તે સાંભળજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org