________________
૮ • પંડિત સુખલાલજી બુદ્ધિશાળી અને વ્યવહારકુશળ હતા. વેપાર-ધંધામાં પણ એમની હોશિયારી ઘણી હતી. સંઘજી એમને મોટાભાઈ કહેતા. લીમલી ગામના ગરાસિયા-૨જપૂતો બીજા લોકો કરતાં જબરા હતા, પરંતુ તેઓ ત્રિભુવનદાસને માનથી બોલાવતા.
માવજી સંઘવીનું કુટુંબ આતિથ્ય સત્કાર માટે ત્યારે બહુ જાણીતું હતું. એમની આર્થિક સ્થિતિ પણ સારી હતી. ઘરે દુધાળાં ઢોર હતાં. એટલે દૂધ-ઘીની જાણે કે નદી વહેતી. ઘરે મહેમાનોની સતત અવરજવર રહેતી. મહેમાનો હોય એટલે મિષ્ટાન્ન ભોજન પણ હોય. ઘરનાં છોકરાંઓને પણ એવા ભોજનમાંથી ભાગ અવશ્ય મળતો. મહેમાનો ઉપરાંત લગ્ન વગેરેના દિવસોમાં તથા પર્વના દિવસોમાં જમણવાર થતા. એને લીધે સંઘવી કુટુંબનો મોભો ઘણો મોટો ગણાતો. પરંતુ મોભાની અને મોટાઈની કુટુંબને પછીથી એવી ટેવ પડી ગયેલી કે જ્યારે આર્થિક સ્થિતિ કથળતી જતી હતી ત્યારે દેવું કરીને પણ તેઓ પોતાનો મોભો સાચવતા.
પંડિતજીનાં જન્મદાત્રી માતા તો પંડિતજી ચાર વર્ષના હતા ત્યારે ગુજરી ગયાં હતાં. એ દિવસોમાં તબીબી વિજ્ઞાન એટલું આગળ વધેલું નહોતું અને અકાળ મરણની ઘટનાઓ ઘણી બનતી. એને લીધે યુવાનીમાં ઘરભંગ થનાર યુવાનો બીજી વાર લગ્ન કરે એવી ઘટના સામાન્ય ગણાતી. સંઘજીએ પણ ઘરભંગ થતાં બીજી વાર લગ્ન કર્યા હતાં. પંડિતજીને પોતાની જન્મદાત્રી માતાનું મુખ પણ યાદ રહ્યું નહોતું, કારણ કે એટલી નાની એમની ઉંમર હતી. નવી માતાએ જૂનીનાં ત્રણે બાળકોને સારી રીતે સાચવી લીધાં હતાં. બધાં સંતાનો એમને “નવીમા’ કહીને બોલાવતાં.
આ નવીમાં પણ પોતાનાં સંતાનોને પરણાવવાનું સુખ જોવા પામ્યાં નહોતાં. એટલાં વહેલાં એ પણ મૃત્યુ પામેલાં. જે દિવસે સૌથી મોટા પુત્ર ખુશાલચંદના લગ્નનો માંડવો નાખવામાં આવ્યો તે જ દિવસે વિ. સં. ૧૯૫૧માં આ નવીમા મૃત્યુ પામેલાં. એથી લગ્નનો દિવસ શોકમાં પલટાઈ ગયો હતો. આમ, પંડિતજીનાં નવમા પણ અવસાન પામ્યાં, પરંતુ એમના પિતાની માતા ત્યારે હજુ હયાત હતાં. એ વૃદ્ધ ઉંમરે એમની આંખો ગઈ હોવા છતાં ઘરનો બધો કારભાર તેઓ સંભાળતાં હતાં. તેઓ ગાયો દોહતાં, દળણું દળતાં, છાશ વલોવતાં, માખણ કાઢતાં અને રસોઈ કરીને બધાને જમાડતાં. પિતાજીની જેમ ઘરમાં બધાં એમને “મા” કહેતાં. પંડિતજીના મોટા ભાઈ ખુશાલભાઈનાં પત્ની એટલે કે પંડિતજીનાં ભાભી માને ઘરકામમાં મદદ કરતાં. વળી પંડિતજીનાં એક ફોઈને લીમલી ગામમાં જ પરણાવેલાં હતાં એટલે તેઓ પણ ઘરે આવીને પોતાની માતાને મદદ કરવા લાગતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org