________________
૪૬ • પંડિત સુખલાલજી જો વધુ રસ પડે તો સંસ્કૃત વ્યાકરણના અધ્યયનમાંથી રસ ઊડી જાય, કારણ કે વ્યાકરણનો વિષય માથાકૂટવાળો હોય છે. પંડિતજીએ એ બાધાનું બરાબર પાલન કર્યું. એથી એમને લાભ જ થયો. ત્યાર પછી ફાજલ સમયમાં અંબાદત્ત શાસ્ત્રી પાસે ન્યાયશાસ્ત્ર શીખવામાં એમને રસ પડ્યો. એક દિવસ એક અંગ્રેજ પાદરી પાઠશાળામાં આવેલા. એમની સાથે અંબાદત્ત શાસ્ત્રીએ સંસ્કૃતમાં વાર્તાલાપ કર્યો. પંડિતજીને પણ એવી રીતે સંસ્કૃતમાં બોલવાની મહત્ત્વાકાંક્ષા થઈ એટલે એમણે વ્યાકરણ શાસ્ત્રના અધ્યયનની સાથે સાથે ન્યાયશાસ્ત્રના ગ્રંથો તર્કસંગ્રહ, મુક્તાવલી', પંચવાદ વગેરેનો પણ અભ્યાસ શરૂ કર્યો. ન્યાયશાસ્ત્રમાં પંડિતજીને બહુ રસ પડ્યો. અંબાદત શાસ્ત્રી પાસે જે વિદ્યાર્થીઓ ન્યાયશાસ્ત્ર શીખી રહ્યા હતા તેના કરતાં પંડિતજીમાં વધુ ગ્રહણશક્તિ હતી. એટલે તેજસ્વી વિદ્યાર્થી મળતાં શિક્ષકનો જીવ ખીલી ઊઠે તેવો અનુભવ અંબાદત્ત શાસ્ત્રીને થયો હતો. પછીથી તો પંડિતજી પણ અંબાદત્ત શાસ્ત્રીની સૂચના અનુસાર પાઠશાળામાં બીજા વિદ્યાર્થીઓને શીખવવા લાગ્યા હતા.
ન્યાયશાસ્ત્રના અધ્યયનની સાથે સાથે પંડિતજી સંસ્કૃત મહાકાવ્યોના અધ્યયન તરફ વળ્યા. “રઘુવંશ', “કિરાતાર્જુનીય', “શિશુપાલવધ, નૈષધીયચરિત' વગેરે મહાકાવ્યોનું અધ્યયન એમણે પંડિતો પાસે કરી લીધું. પ્રાકૃત મહાકાવ્યોનું અધ્યયન તો એમણે જાતે જ કરી લીધું હતું.
મહાકાવ્યનો સારી રીતે આસ્વાદ મેળવવો હોય તો અલંકારશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. એટલે એમણે અધ્યાપક પાસે અંલકારશાસ્ત્રના ગ્રંથ “સાહિત્યદર્પણનો અભ્યાસ કર્યો. એ અભ્યાસમાં પાઠશાળાના વ્રજલાલ નામના એક બ્રાહ્મણ વિદ્યાર્થી પણ જોડાયા હતા. પંડિતજી કરતાં વ્રજલાલ ઉંમરમાં નાના હતા, પણ તેજસ્વી હતા, પંડિતજીને એમની સાથે સારી આત્મીયતા થઈ ગઈ હતી.
આમ, વિ. સં. ૧૯૬૦થી ૧૯૬૪ (ઈ. સ. ૧૯૦૪થી ૧૯૦૮) સુધીનાં ચાર વર્ષના ગાળામાં પંડિતજીએ પાઠશાળામાં રહીને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો, તર્કશાસ્ત્રનો, વ્યાકરણનો અને એના સાહિત્યનો ઘણો સંગીન અભ્યાસ કરી લીધો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org