________________
પરિભ્રમણ - ૧૦૯ ચાલુ કર્યો છે. તેઓ પૂનાથી નીકળી અમદાવાદ ગાંધીજીના આશ્રમમાં આવ્યા હતા. અમદાવાદમાં પંડિતજીની નાદુરસ્ત તબિયત વિશે જાણવા મળતાં. શ્રી જિનવિજયજીને થયું કે લીમલી પંડિતજીની ખબર જોવા માટે જઈ આવવું જોઈએ. આથી તેઓ પંડિત બેચરદાસ સાથે આવ્યા હતા. તે વખતે ડો. અમરશીભાઈ પણ વઢવાણથી પંડિતજીની ખબર જોવા આવ્યા હતા. બધા એક દિવસ રોકાઈ નિરાંતે ઘણીબધી વાતો કરીને પાછા વિદાય થયા.
તબિયત સારી થતાં પંડિતજી શ્રી જિનવિજયજીને મળવા અમદાવાદ આવ્યા. શ્રી જિનવિજયજી ત્યારે કોચરબ પાલડી પાસે એક બંગલામાં થોડા દિવસ રહ્યા હતા. પંડિતજી ત્યાં ઊતર્યા. શ્રી જિનવિજયજીએ અને બીજા મિત્રોએ પંડિતજીને અમદાવાદ ખાતે કાયમ માટે રોકાઈ જવા આગ્રહ કર્યો, પણ પંડિતજીને તો આગ્રા જ જવું હતું. જતાં પહેલાં પંડિતજી ધોળકા પાસે વૌઠામાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે, ત્યાં ગયા હતા અને મદ્યપાન ન કરવા વિશે ત્યાં ભાષણ પણ આપ્યું હતું. વૌઠાથી તેઓ આગ્રા પહોંચી ગયા. મુનિશ્રી પૂના પહોંચી ગયા.
પંડિતજી આગ્રા તો પહોંચ્યા, પરંતુ કર્મગ્રંથ' અને પંચ-પ્રતિક્રમણ'ના મુદ્રણકાર્યમાં સંતોષકારક પ્રગતિ થતી નહોતી એટલે એમણે કાશીમાં લક્ષ્મી નારાયણ પ્રેસમાં ગ્રંથો છપાવવાનો નિર્ણય કર્યો. એ માટે પોતાના સહાયકો સાથે તેઓ થોડા દિવસ માટે કાશી આવીને રહ્યા.
દરમિયાન પૂનાથી મુનિ શ્રી જિનવિજયજીનો પત્ર આવ્યો. એમણે લખ્યું હતું કે પૂનાનો સંઘ સમેતશિખરની યાત્રાએ નીકળે છે અને પોતે તેમાં જોડાવાના છે. મુનિજીએ એ યાત્રામાં જોડાવા માટે પંડિતજીને આગ્રહ કર્યો અને પંડિતજી પણ તેમાં જોડાયા. પંડિતજીને પ્રવાસની દૃષ્ટિએ આ અવસર અનુકૂળ લાગ્યો હતો.
શ્રી જિનવિજયજીએ હવે મુનિપદ છોડી દીધું હતું. રેલવેના પ્રવાસની એમણે છૂટ લીધી હતી. તેઓ રેલવેમાં સંઘ સાથે શિખરજી પહોંચી ગયા હતા. પંડિતજી પોતાના મોટા ભાઈના પુત્ર વખતચંદ, બંને ભત્રીજીઓ અને બીજાં સ્નેહીઓ સાથે આગ્રાથી નીકળી જ્યારે શિખરજી પહોંચ્યા ત્યારે પૂનાનો સંઘ આવી ગયો હતો. પંડિતજી શ્રી જિનવિજયજીને મળ્યા. એથી પરસ્પર ઘણો આનંદ થયો. શિખરજીથી નીકળી સંઘ સાથે પંડિતજી કલકત્તા પહોંચ્યા. ત્યાં યોજાયેલી સભામાં શ્રી જિનવિજયજીએ અને પંડિતજીએ સામાજિક વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં હતાં.
કલકત્તાના આ પ્રવાસ દરમિયાન પંડિતજીને કાશીની પાઠશાળાના પોતાના ત્રણ સહવિદ્યાર્થીઓને મળવાનું થયું એ દૃષ્ટિએ આ પ્રવાસ એમને માટે યાદગાર બન્યો હતો. આ ત્રણ મિત્રોમાં એક તે પંડિત હરગોવિંદદાસ, બીજા પંડિત વીરભદ્ર અને ત્રીજા તે લાભચંદ બ્રહ્મચારી. પંડિત હરગોવિંદદાસ કલકત્તામાં પંડિત તરીકે કાર્ય કરી રહ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org