Book Title: Pandita Sukhlalji
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 135
________________ ૧૧૮ • પંડિત સુખલાલજી સામયિકો અને છાપાં વાંચવાં હોય તે તેઓ તૈયાર રાખતા. સ્વ. ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા પણ પંડિતજીએ તે સમયે વંચાવી હતી). પંડિતજી અપરિણીત હતા, એટલે ભોજન બનાવવા માટે કોઈની મદદની જરૂર રહેતી. એ માટે એમને વખતોવખત કોઈક ને કોઈક યોગ્ય વ્યક્તિ મળી રહેતી. એમના રસોઇયામાં સરજૂ મહારાજે ઘણાં વર્ષ સેવા કરી હતી. એ તો પંડિતજીનો જાણે ભક્ત જ બની ગયો હતો. એણે પંડિતજીની ઘણાં વર્ષો સુધી સારસંભાળ રાખી હતી. તે પંડિતજીને સ્નાન કરાવતો, કપડાં પહેરાવતો અને બહાર ફરવા લઈ જતો અને જરૂર હોય તો પગ કે માથું પણ દબાવી આપતો. પંડિતજીની સારસંભાળ લેનાર બહેનોમાં શ્રી મોતીબહેન અને શ્રી સુશીલાબહેનનો નિર્દેશ અવશ્ય કરવો જોઈએ. મોતીબહેન તે સુશીલાબહેનનાં માસી હતાં. આ માસીભાણેજે પૂરા ભક્તિભાવથી નિષ્ઠાપૂર્વક પંડિતજીની પોતાના એક પિતાતુલ્ય વડીલની જેમ સેવાચાકરી કરી હતી. પંડિતજીનું જીવન અત્યંત નિયમિત હતું. તેઓ વહેલી સવારે પાંચ વાગે ઊઠી જતા. નિયમિત સમયે આહાર લેતા. રાત્રે નવ વાગે અચૂક સૂઈ જતા. સવારના ઊડ્યા પછી અને સાંજના ભોજન પછી તેઓ હંમેશાં અડધો-પોણો કલાક ચાલતા. બહુ દૂર ન જવું હોય તો મકાનમાં કમ્પાઉન્ડમાં આંટા મારતા. પંડિતજી સવારના ચા-દૂધ લેતા, પણ નાસ્તો કરતા નહિ. ભોજનમાં સામાન્ય રીતે એક રોટલી લેતા. સાથે દાળ અને શાક હોય. ભાત તો સામાન્ય રીતે તેઓ ખાતા નહિ. દૂધ અને મોસંબીનો રસ તેઓ નિયમિત લેતા. તેમને કબજિયાત રહેતી. એટલે હરડે લેતા. તેમનું શરીર એકવડું હતું. એકંદરે તેમની તબિયત સારી રહેતી. તેમ છતાં વૃદ્ધાવસ્થામાં તેમને હરસની અને પ્રોસ્ટેટની તકલીફ રહેતી હતી. વળી તેમને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. પંડિતજીની શારીરિક શક્તિ કરતાં એમની માનસિક શક્તિ વધુ હતી. તેમની યાદશક્તિ છેવટ સુધી સારી રહી હતી. તેઓ ૯૦-૯૫ વર્ષની વયે અવાજ પરથી માણસને ઓળખાવતા અને કોઈની સાથે ચર્ચા કરવા બેસે તો થાકતા નહિ. એમનાં વર્ષોના વિશાળ વાચનમાંથી ઘણી વાતો બીજાને પહેલી વાર જાણવા મળતી. એમની માનસિક શક્તિ કરતાં પણ એમનું આત્મબળ સવિશેષ હતું. ચોરાણું–પંચાણું વર્ષની ઉંમર પછી પંડિતજીની તબિયત એટલી સારી રહેતી નહોતી. અશક્તિ વરતાતી હતી અને આખો દિવસ ઘણુંખરું સૂઈ રહેતા. ભોજન પણ પલંગમાં જ બેઠા બેઠા લેતા. ત્યાં જ એક નાના બાજોઠ પર થાળી મૂકી તેમને ભોજન આપવામાં આવતું, કોઈ મળવા આવે તો સ્કૂર્તિ હોય એટલી વાર બેસીને, નહિ તો સૂતાં સૂતાં તેઓ વાત કરતા. દિવસે દિવસે એમનો ખોરાક ઘટતો જતો હતો. એની સાથે અશક્તિ પણ વધતી જતી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152